અમદાવાદ,
વ્યાજખોરો સામે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે, તેની સામે જોઈએ તો વ્યાજખોરીનું વૃક્ષ હવે વટવૃક્ષ બની ગયું છે. જેને સહેલાઈથી કાબૂમાં લેવું સરકાર માટે પણ આસાન નથી. ગુજરાત સરકાર દ્વારા આગામી ૧૦૦ દિવસમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. પરંતુ હકીક્ત એ છે કે, ત્યા સુધી કેટલાય લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. ત્યારે સરકાર છેલ્લા ૧૫ દિવસથી વ્યાજખોરો સામે મુહિમ ચલાવી રહી છે. આખરે આ મુહિમ રંગ લાવી છે. સરકારે વ્યાજખોરો સામે ચલાવેલા મેગા ડ્રાઈવમાં ૧૪ દિવસના અંતે ૫૦૦ હ્લૈંઇ, ૬૪૩ સામે ગુનો અને ૪૬૮ ની ધરપકડ કરાઈ છે.
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને રૂપિયા આપતા વ્યાજખોરો હવે જીવલેણ બની રહ્યાં છે. વ્યાજખોરીના ખપ્પરમાં અનેક લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર હવે આ મુદ્દે આક્રમક બની છે. ગુજરાતના અનેક મોટા શહેરોમાં લોકદરબારો યોજીને લોકોની ફરિયાદ લેવામાં આવી રહ્યાં છે. બે સપ્તાહમાં જ ૫૦૦થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે. જ્યારે ૬૪૩ લોકો સામે ગુના દાખલ થયા છે અને ૪૬૮થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરમાં વ્યાજખોરો વિરુદ્ધ રેન્જ આઇજીનો લોક દરબાર ગઈકાલે યોજાયો હતો. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના અયક્ષસ્થાને જામનગરના દરબારગઢ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ ભવ્ય લોક દરબાર યોજાયો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને શહેરીજનો લોકદરબારમાં ઉપસ્થિત રહ્યા. વ્યાજખોરો વિરુદ્ધ કોઈપણ જાતના ભય વિના લોકો સામે આવે તેવી પોલીસે અપીલ કરી હતી.
રાજ્યમાં બેફામ બનેલા વ્યાજખોરોની હવે ખેર નથી. સરકારે આવા તત્વો સામે કાર્યવાહી માટે કમર ક્સી છે. પોલીસ એક સપ્તાહ માટે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસ સામે ચાલીને ફરિયાદીઓ પાસે જશે. વ્યાજખોરો સામે ફરિયાદ કરવા સરકારે લોકોને અપીલ પણ કરી છે. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. આ અસામાજિક તત્વોના આતંકથી કંટાળીને ઘણા લોકોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે. જો કે હવે મોડે મોડેથી પણ તંત્ર જાગ્યું છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કાર્યવાહી માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને સરકારે પોતાના પ્રથમ ૧૦૦ દિવસના એેજન્ડામાં પણ સામેલ કરી છે.
દેવું-વ્યાજના ખપ્પરમાં આત્મહત્યા કરનારાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેવાના બોજને કારણે ૫૧૨ વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જેના પગલે સરકાર હવે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે. વ્યાજખોરો વ્યાજનું વ્યાજ લઈને મૂળ મૂડી કરતાં અનેકઘણી રકમ પડાવી લેતા હોય છે આમ છતાં એમની મૂળ રકમ તો ઉભી જ હોય છે. આમ વ્યાજે લેનાર વ્યાજ ભરીને થાકી જાય પણ એ રૂપિયા ઘટતા નથી. આમ આખરે આત્મહત્યા કરી લે છે. આ પ્રકારના કેસો વધતા સરકાર એક્ટિવ થઈ છે.