
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે ઈવીએમ સાથે વીવીપીએટી મશીનની સ્લિપના મેચિંગના મામલાની સુનાવણી કરવા સંમત થઈ છે. ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે એડીઆર દ્વારા દાખલ કરાયેલી અરજી આવતા સપ્તાહે મંગળવાર કે બુધવારે લિસ્ટ કરવામાં આવશે. અરજદાર સંગઠન એડીઆર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે માંગ કરી હતી કે અરજીની સુનાવણી જલ્દી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે મંગળવારે વીવીપીએટી મુદ્દે દાખલ કરવામાં આવેલી બીજી અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે.
આ મામલે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણન પણ કોર્ટમાં હાજર થયા હતા અને કહ્યું હતું કે ચૂંટણી નજીક છે અને જો આ મામલે સુનાવણી નહીં થાય તો આ અરજી નિરર્થક બની જશે. જસ્ટિસ ખન્ના સાથે જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી પણ બેન્ચમાં સામેલ હતા. બેન્ચે કહ્યું કે ’તેઓ પરિસ્થિતિથી વાકેફ છે અને આવતા અઠવાડિયે આ મામલે સુનાવણી કરશે.’ ગયા વર્ષે ૧૭ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે એડીઆરની અરજી પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. પોતાની અરજીમાં એનજીઓએ માંગણી કરી છે કે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર એ સુનિશ્ર્ચિત કરે કે વીવીપીએટી મશીન દ્વારા મતદારો તેમના મતની પુષ્ટિ કરી શકે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ સ્લિપને ઈવીએમ મશીનો સાથે મેચ કરવાની માંગ કરવામાં આવી હતી વીવીપીએટી એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન મશીન છે, જે બતાવે છે કે મતદારે આપેલો વોટ યોગ્ય રીતે પડ્યો છે કે નહીં. હાલમાં, વીવીપીએટી સ્લિપ દ્વારા માત્ર પાંચ પસંદ કરેલ ઈવીએમની ચકાસણી કરવાની પ્રથા છે. સુપ્રીમ કોર્ટના વકીલ અને સામાજિક કાર્યર્ક્તા અરુણ કુમાર અગ્રવાલે પણ વીવીપીએટી સ્લિપની સંપૂર્ણ ગણતરી અને તેને ઈવીએમ સાથે મેચ કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.