વૃધ્ધોની સંખ્યા વધવાથી ચીને નાગરિકોને ૩ બાળકો પેદા કરવાની છુટ આપી

વન ચાઇલ્ડ પોલીસીના વર્ષો સુધી અમલ પછી ચીનમાં ઉંમરલાયક લોકોની સંખ્યા વધવાથી જીનપિંગ સરકાર ચિંતામાં જોવા મળે છે આથી નાગરિકોને ત્રણ બાળકો પેદા કરવાની છુટ આપી દીધી છે. ચીનની સરકારી એજન્સી શિન્હુઆ જણાવ્યું કે દેશમાં વૃધ્ધ નાગરિકોની સંખ્યા વધવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની અધ્યક્ષતામાં યોજાયેલી પોલિટ બ્યૂરોની બેઠકમાં લેવામાં આવ્યો છે. એક માહિતી મુજબ ચીનની વસ્તી ૦.૫૩ ટકા વધીને ૧.૪૧ અબજ થઇ છે જેમાં ચીનના તમામ ૩૧ પ્રાંત,સ્વાયત વિસ્તારો અને નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

નવી વસ્તી ગણતરીના આંકડાથી ધ્યાનમાં આવ્યું છે કે ચીનમાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા ૨૬.૪ કરોડ છે, ઉંમરલાયકોની વસ્તી વધવાથી સંતુલિત વિકાસ પર અસર પડી રહયો છે. ચીનમાં ૮૯.૪ કરોડ લોકોની ઉંમરક ૧૫ થી ૫૯ વર્ષની વચ્ચે છેે. ચીનમાં વધતી જતી વસ્તીને રોકવા માટે ૮૦ના દાયકામાં જન્મ નિયંત્રણને લગતા પગલા ભરવામાં આવ્યા હતા. દંપતિઓને એક જ બાળક પેદા કરવાની છુટ આપવામાં આવી હતી. સામ્યવાદીની એડી નીચે કચડાયેલા ચીનમાં આનો ચૂસ્ત અમલ થતા તેનું ઉલટું પરીણામ પણ જોવા મળી રહયું છે. વૃધ્ધોની સંખ્યા વધવાથી અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવી રહયો છે.

ચીનમાં જન્મ સંબંધી નિયમોમાં ઘણા સમયથી છુટ આપવામાં આવી છે તેમ છતાં મોંઘવારી,રોજગારી અને આવાસની સમસ્યાના કારણે લોકો બાળકો પેદા કરવાનું ટાળી રહયા છે. સામ્યવાદી ચીન એક સમયે વન ચાઇન પોલીસીનો અમલ એટલો અમાનવિય રીતે કરાવ્યો હતો કે માતાના ગર્ભમાંથી બાળકોને મારી નાખવામાં આવતા હતા. વન ચાઇલ્ડ પોલીસીનો ક્રુર અમલ એક સમયે ખૂબજ વિવાદાસ્પદ બન્યો હતો તેની માનવ અધિકારે પણ ટીકા કરી હતી. બદલાયેલા સંજોગોમાં ચીને વન ચાઇલ્ડ પોલીસીમાં ઘણા સમયથી ઢીલ મૂકી છે પરંતુ હવે તેનાથી આગળ વધીને પોલિટ બ્યૂરોએ ૩ બાળકો સુધીની છુટ આપી છે.