વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર નજીક મકાન ધરાશાયી, ૫ નાં મોત, અનેક ઘાયલ

તીર્થધામ મથુરાના વૃંદાવન ખાતે આવેલ બાંકે બિહારી મંદિર પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક જૂની ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મુલાકાતીઓ ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

આ અકસ્માત વૃંદાવન કોતવાલી વિસ્તારમાં, સ્નેહ બિહારી જી મંદિર પાસે થયો હતો, જે બાંકે બિહારી મંદિરથી લગભગ 200 મીટર દૂર સ્થિત છે. અહીં ભગવાલા પાર્કિંગની સામે આવેલા દુસાયત મહોલ્લામાં જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઈમારત ધરાશાયી થવાના કારણે રસ્તેથી બહાર આવી રહેલા શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

અકસ્માતના સ્થળે આક્રંદ મચી ગયો હતો. માહિતી મળતાં પોલીસે સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ શેરીમાં ભીડને કારણે પહોંચી શકી ન હતી. આથી ઘાયલોને ઈ-રિક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા. આ સાથે મૃતદેહોને પણ ઈ-રિક્ષા દ્વારા લઈ જવામાં આવ્યા હતા.