આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખસોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર થયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ, હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
PM રિપોર્ટમાં હત્યા અને દુષ્કર્મ થયાનું સામે આવ્યું આણંદ તાલુકાના એક ગામમાં એકલાં રહેતાં 70 વર્ષીય મહિલાનું ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ મળતાં પોલીસે એ.ડી દાખલ કરી, વૃદ્ધાના મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપ્યો હતો. જેના પી.એમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં. તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા 50,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા 1500 મળીને કુલ રૂપિયા 51,500નો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યા ઇસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યાં હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
આ અંગે મૃતકના જમાઈની ફરિયાદને આધારે વિદ્યાનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 64(1), 66, 103(1), 309(6), 311 મુજબનો ગુનો નોંધ્યો હતો અને ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વિદ્યાનગર પોલીસ તેમજ આણંદ એલ.સી.બી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની આ બંને ટીમોએ અલગ-અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. તેમજ હ્યુમન-ટેક્નિકલ ઈન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બે શંકાસ્પદોનાં નામ બહાર આવ્યાં હતાં.
આણંદ એલ.સી.બી પોલીસે આ બંને શંકાસ્પદો પૈકી ઈમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડ (રહે. કસુંબાડ, તા.બોરસદ, જી.આણંદ) ની વિરસદ ખાતેથી અટકાયત કરી હતી. આ ઈમ્તિયાઝ પાસેથી લૂંટમાં ગયેલ મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે આ ઈમ્તિયાઝની પૂછપરછ કરતાં, તેણે પોતાના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ ચૌહાણ (રહે. આશાપુરી માતાજીવાળુ ફળિયું, કસુંબાડ, તા.બોરસદ, જિ.આણંદ) સાથે મળીને આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે વિદ્યાનગર પોલીસે આજરોજ મોડી સાંજના સમયે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ચિરાગ ઠાકોરભાઇ ચૌહાણને પણ અંધારિયા-મોગરી રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ જણાવે છે કે, ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ આણંદ પંથકમાં એક મહિલાનું તેના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે એ.ડી નોંધી, મહિલાના મૃતદેહનું પેનલ ડૉક્ટરથી પી.એમ કરાવ્યું હતું. જેમાં આ મહિલાનું દુષ્કર્મ કરી ગળું દબાવી મર્ડર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી વિદ્યાનગર પોલીસે રોબરી વિથ મર્ડર અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ ઘટના જ્યાં બની ત્યાં આસપાસના વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતા બે આરોપીઓની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. આણંદ એલ.સી.બી અને વિદ્યાનગર પોલીસે આ બંને આરોપીઓને એરેસ્ટ કર્યાં છે.