વરસાદની રાહ જોતા ખેડૂતો : છેલ્લા 24 કલાકમાં માત્ર દાહોદમાં જ 17 mm વરસાદ નોંધાયો : અન્ય 8 તાલુકા વરસાદથી વંચિત

સમગ્ર ગુજરાતમા વરસાદી માહોલ જામ્યો છે. જોકે, દાહોદ જીલ્લામાં વરસાદના અમી છાંટણા વરસી રહ્યા છે. જીલ્લામાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. મેઘરાજા દાહોદ જીલ્લામાં મન મૂકીને હજી સુધી વરસ્યા નથી. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદ જીલ્લામાં 25 જૂનના દિવસે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું, પરંતુ મેઘરાજા મહેરબાન થયા ન હતા. ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ અને બફારો થતા લોકો ગરમીમાં પરેશાન થયા હતા. બપોર ના 12:00 વાગ્યાથી 2:00 વાગ્યા દરમિયાન જીલ્લાના વાતાવરણમાં એકાએક પલટો સર્જાયો હતો. સાથે જ મેઘ ગર્જના સાથે પવન ફૂંકાવવાની શરૂ થઈ હતી. વાતાવરણ જોઈને એવુ લાગતુ હતું કે, દાહોદ જીલ્લામા મેઘરાજા આજે મન મુકીને વરસવાના છે, પરંતુ વરસાદ નહિ વરસતા ખેડૂતોમા નિરાશા છવાઈ હતી.

જીલ્લાના 9 તાલુકા પેકી દાહોદમાં જ વરસ્યો વરસાદ…

25મી જુન મંગળવારના રોજ દાહોદ જીલ્લાના 9 તાલુકા પૈકી માત્ર દાહોદમાં વરસાદ વરસ્યો હતો. દાહોદમાં બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા દરમ્યાન 17 મિમિ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વરસાદે વિરામ લેતા રાત્રી દરમ્યાન સમગ્ર જીલ્લામાં વરસાદનું ટીપું એ પડ્યું ન હતું. 25મી જૂનના રોજ દાહોદ શહેરની વાત કરતા જીલ્લાના 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો ન હતો.

ખેડૂતો ખેતીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે…

દાહોદ જીલ્લામા હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી વાદળો છવાયેલા હોવાને કારણે વરસાદનો વર્તારો જોવાઈ રહ્યો છે. અત્યાર સુધી દાહોદ જીલ્લામા છુટો છવાયો વરસાદ વરસ્યો છે. જેને લઈને જીલ્લામાં કેટલીક જગ્યાએ ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. જોકે, હજી દાહોદ જીલ્લામા વાવણીલાયક વરસાદ વરસ્યો ન હોવાથી ખેતરોમાં ખેતીલાયક પુરતા પ્રમાણમા ભેજ થાય ત્યારે ખેડૂતો વાવણી કરે તે માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે દાહોદ જીલ્લામા ખેતીલાયક વરસાદ જલ્દી થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.