વિયેતનામની રાજધાની હનોઈમાં આજે સ્થાનિક સમય મુજબ મધરાતે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 50 લોકોના મોતના અહેવાલ છે. રિપોર્ટ મુજબ વિયેતનામ સમાચાર એજન્સી (VNA) એ જણાવ્યું કે આગ 13 ડિસેમ્બર રાતે લગભગ 2 વાગે લાગી હતી. નવ માળની ઈમારતમાં આગ ફાટી નીકળી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.
વિયેતનામની રાજધાની હનોઈની જે ઈમારતમાં આગ લાગી તે શહેરના રહેણાંક વિસ્તારમાં સાંકડી ગલીમાં આવેલી છે. આગ લાગ્યા બાદ જો કે તરત રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું. જેના કારણે 70 જેટલા લોકોને બ્લોકમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા. જેમાંથી 54 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
વિયેતનામની રાજધાની હનોઈની ઈમારતમાં લાગેલી આગમાં પીડિતોમાં બાળકો પણ સામેલ છે. વિયેતનામની ન્યૂઝ ચેનલ પર અકસ્માતની જે તસવીરો દેખાડવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે કેવી રીતે ઘટનાસ્થળ પર પાણીથી લેસ ફાયર ફાઈટર ઈમારતની આગને ઓલવવાની કોશિશમાં લાગ્યા હતા.
રાતે આગ લાગ્યા બાદ આજે દિવસમાં પણ ઈમારતમાંથી ધૂમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા. AFP ના રિપોર્ટ મુજબ ઈમારતની નાની નાની બાલકનીઓ લોઢાથી ઘેરાયેલી હતી. એપોર્ટમેન્ટ બ્લોકમાં ફક્ત એક જ નીકળવાની જગ્યા હતી એ સિવાય બીજો કોઈ ઈમરજન્સી દરવાજો નહતો.