વોશિગ્ટન, એક મોટા ડિફેન્સ પેકેજ પર અમેરિકન કોંગ્રેસ વોટિંગ કરવા જઈ રહી છે. જેના પર થઈ રહેલી ચર્ચા વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના સાસંદ સમર લીએ સેનાના ખર્ચાઓ પર સવાલ ઉઠાવ્યો હતો.
સમર લીએ પૂછ્યું હતું કે, અમેરિકન સેના વિયાગ્રા પર દર વર્ષે કેટલો ખર્ચ કરે છે? જેના જવાબમાં સંરક્ષણ વિભાગના અધિકારીએ જાણકારી નહીં હોવાનું કહ્યું હતું ત્યારે લીએ પોતાનો આંકડો રજૂ કરતા કહ્યું હતું કે, ૪.૬ કરોડ ડોલર..તેમણે આગળ જણાવ્યું હતું કે, તમને ખબર છે કે આટલી રકમમાંથી મારા પોતાના મતદાર વિસ્તારમાં હાલમાં ધરાશાયી થયેલા બ્રિજનું ફરી નિર્માણ કરી શકાયું હોત.
તેમણે આગળ કહ્યું હતું કે, સેનાએ ભોજનમાં પિરસાતા સ્નો ક્રેબ અને અલાસ્કા ક્રેબ માટે ૨.૩ મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. તેની સામે મારા મતદાર વિસ્તારની કાઉન્સિલ બેઘર લોકોની સેવામાં માત્ર ૧.૨ મિલિયન ડોલર ખર્ચ કરે છે.
તેમણે એફ-૩૫ વિમાનોના ગેરવહીવટના ૨૦૧૬માં થયેલી તપાસના આંકડા રજૂ કરીને એવું પણ કહ્યું હતું કે, મે ૨૦૧૮થી ઓક્ટોબર ૨૦૨૨ વચ્ચે આ વિમાનો માટેના ૮ કરોડ ડોલરના દસ લાખ સ્પેરપાર્ટસ આશ્ર્ચર્યજનક રીતે ખોવાઈ ગયા હતા.