વિવિધતા છતાં ભારત હજારો વર્ષોથી એકજૂથ,આરએસએસના વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે સોમવારે યુદ્ધના નાયક અબ્દુલ હામિદના જીવન પર આધારિત પુસ્તક ’મેરે પાપા પરમવીર’નું વિમોચન કર્યું હતું. આ નિમિત્તે મોહન ભાગવતે કહ્યું કે, વિવિધતા છતાં ભારત હજારો વર્ષોથી એક રાષ્ટ્ર તરીકે કાર્ય કરી રહ્યુ છે અને જ્યારે પણ ચીન કે પાકિસ્તાન તરફથી હુમલાઓ થાય છે, ત્યારે આ એક્તા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે

ગાજીપુરના ધામપુર ગામમાં પુસ્તક વિમોચન સમારોહ યોજાયો હતો, જ્યાં અબ્દુલ હામિદનો જન્મ થયો હતો. સૈનિક અબ્દુલ હામિદને ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બહાદુરી માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા મોહન ભાગવતે કહ્યું કે બહારથી જે પણ દેખાય, પરંતુ દેશના પ્રત્યે પ્રેમ અને ભક્તિ દરેક જગ્યાએ જોવા મળી રહી છે. હામિદ જેવા વ્યક્તિત્વોની પ્રશંસા કરીને તેમણે ઉમેર્યું કે, દેશમાં દરેક જગ્યાએ માતૃભૂમિની પ્રત્યે પ્રેમ અને સમર્પણ જોવા મળે છે. અહીંયા નોંધવું રહ્યું કે, સૈનિકો દ્વારા હામિદના પરિવારને કહેલી શૌર્યની વાતો પર આધારીત પુસ્તક ’મેરે પાપા પરમવીર’ પુસ્તકના વિમોચન નિમિત્તે તેમના પુત્ર જૈનુલ હસન ઉપસ્થિત રહ્યા હતા.