બેંગ્લોરના સેંડલવુડ ડ્રગ રેકેટમાં અત્યાર સુધીમાં અભિનેત્રી રાગિની દ્વિવેદી સહિત ઘણા સ્ટાર્સના નામ આવ્યા છે. આમાંના એક નામ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયના સાળા, આદિત્ય અલ્વા પણ છે. એફઆઈઆરમાં 12 આરોપીઓના નામમાં આદિત્ય અલ્વાનું નામ શામેલ છે. પોલીસે આદિત્યના ઘર માટે સર્ચ વોરંટ ઇસ્યુ કરીને ઘરની શોધખોળ હાથ ધરી છે.
બેંગ્લોરના જોઇન્ટ કમિશનર ક્રાઈમ સંદીપ પાટિલે જણાવ્યું હતું કે ‘હાઉસ ઓફ લાઈવ્સ’ માટે હેબલની પાસે સ્થિત આદિત્ય અલ્વાના ઘર માટે સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને ત્યાં તલાશી લેવામાં આવી રહી છે. તે જાણીતું છે કે આદિત્ય વિવેક ઓબેરોયનો સાળો અને પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાનો પુત્ર છે. આદિત્ય પાર્ટીઓનો પણ લોકપ્રિય ચહેરો છે. અહેવાલો અનુસાર, આદિત્યને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (સીસીબી) તેની શોધ કરી રહી છે. હજી સુધી આ સમાચાર અંગે વિવેક ઓબેરોયની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ લોકોની થઇ ચુકી છે ધરપકડ
તાજેતરમાં, સેન્ડલવુડ ડ્રગ રેકેટ કેસમાં અભિનેત્રી રાગિની દ્વિવેદી અને સંજના ગલરાણીના ડ્રગ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. પોલીસે રાગિની પર સેમ્પલ નષ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે રાગિનીએ પેશાબના નમૂનામાં પાણી ઉમેરીને તેને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાદમાં પોલીસે ફરીથી પેશાબના નમૂના માંગ્યા હતા અને આ વખતે સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી. તે જ સમયે, સંજના ગલરાણીએ આ કેસમાં ડોપ ટેસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે નિવેદન જારી કરતાં કહ્યું કે તે નિર્દોષ છે. તે પોલીસની સામે સતત વિરોધ કરી રહી હતી.