વિવાદો વચ્ચે PM મોદીના US પ્રવાસનું શિડ્યૂલ જાહેર:12 ફેબ્રુઆરીથી 2 દિવસની અમેરિકાની મુલાકાતે, ટ્રમ્પે આમંત્રણ મોકલ્યું: બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ મુલાકાત

પીએમ મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે જશે. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શુક્રવારે આ માહિતી આપી. મહત્ત્વનું છે કે ​​​​​​​અમેરિકા જતાં પહેલાં મોદી ફ્રાન્સની મુલાકાત લેશે. અહીં તેઓ 11 ફેબ્રુઆરીએ પેરિસમાં યોજાનારી AI સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે.

ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી મોદીની આ પહેલી મુલાકાત હશે. ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી મોદી 12 ફેબ્રુઆરીની સાંજે વોશિંગ્ટન ડીસી પહોંચશે. તેઓ 14 ફેબ્રુઆરી સુધી રહેશે. આ સમય દરમિયાન પીએમ અમેરિકન ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયને પણ મળી શકે છે.

27 જાન્યુઆરીએ પીએમ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી આ પહેલીવાર બંને વચ્ચે વાત થઈ. આ વાતચીત પછી જ ટ્રમ્પે ખુલાસો કર્યો કે મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે.

પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે વધુ અમેરિકન સુરક્ષા ઉપકરણો ખરીદવાં જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર યોગ્ય રીતે થવો જોઈએ. એનો અર્થ એ થયો કે ટ્રમ્પ ઇચ્છે છે કે અમેરિકામાં વેપારમાં નુકસાન ન હોવું જોઈએ.

ભારત અમેરિકાના સૌથી મોટા નિકાસકારોમાંનો એક છે. બીબીસીના એક અહેવાલ મુજબ, ભારતે 2023-24માં અમેરિકાને $77.5 બિલિયનના માલની નિકાસ કરી હતી. એ જ સમયે અમેરિકાએ ભારતને $42.2 બિલિયનનો માલ વેચ્યો હતો. આવી સ્થિતિમાં ભારત સાથે અમેરિકાનું વેપારમાં નુકસાન $35.3 બિલિયન છે. ટ્રમ્પ આ વેપાર નુકસાનને સંતુલિત કરવા માગે છે.

ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીન પર લાદવામાં આવેલા ટેરિફને પગલે વેપાર વાટાઘાટો વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. ભારતીય પક્ષે અમેરિકા પાસેથી વધુ ને વધુ ઊર્જા ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. આ સાથે ભારતે વિદેશથી આવતા ઘણા માલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે, જેનો ફાયદો અમેરિકન કંપનીઓને થઈ શકે છે.

અમેરિકા પહેલાં ફ્રાન્સ જશે મોદી વિદેશ સચિવ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમેરિકા જતાં પહેલાં મોદી ફ્રાન્સની મુલાકાત લેશે.​​ અહીં તેઓ 11 ફેબ્રુઆરીએ પેરિસમાં યોજાનારી AI સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સે ભારતને આ પરિષદના સહ-અધ્યક્ષપદ માટે આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ચીનના નાયબ વડાપ્રધાન સહિત અન્ય લોકો હાજરી આપશે.

પીએમ મોદી 12 ફેબ્રુઆરીએ ફ્રેન્ચ સરકાર દ્વારા આયોજિત VVIP ડિનરમાં પણ હાજરી આપશે. મોદી 12 ફેબ્રુઆરીએ માર્સેલીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમય દરમિયાન તેઓ એરોસ્પેસ, એન્જિન અને સબમરીન સંબંધિત સોદાઓ પર ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત પરમાણુ ઊર્જા પર પણ ચર્ચા થઈ શકે છે.