વિવાદોમાં ફસાયેલ અન્નપૂર્ણિને લઇ નયનતારાએ માફી માંગી

હૈદરાબાદ, સાઉથ સિનેમાની લેડી સુપરસ્ટાર નયનતારાની ફિલ્મ ’અન્નપૂર્ણિ’ ૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ નેટલિક્સ પર રિલીઝ થઈ હતી. બાદમાં ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી હતી. આ ફિલ્મ પર ભગવાન રામનું અપમાન કરવાનો અને લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. વિવાદ એટલો વધી ગયો કે આ ફિલ્મ નેટલિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે અને હવે નયનતારાએ આ માટે સોશિયલ મીડિયા પર માફી માંગી છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની ફિલ્મના એક સીન માટે માફી માંગી અને એક લાંબી નોટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. નયનતારાએ ઓમ જય શ્રી રામ લખીને પોતાની નોટની શરૂઆત કરતા લખ્યું – ’હું ભારે હૃદયથી આ નોટ લખી રહી છું, મારી ફિલ્મ અન્નપૂર્ણાની માત્ર એક ફિલ્મ નથી પણ આ ફિલ્મ લોકોને તેમના જીવનમાં આગળ વધવા માટે પણ પ્રેરિત કરે છે.’

નયનતારાએ કહ્યું, સકારાત્મક સંદેશ શેર કરવાના અમારા પ્રામાણિક પ્રયાસમાં અમે અજાણ્યામાં લોકોને દુ:ખ પંહોચાડ્યું છે. અમે અગાઉ થિયેટરોમાં રિલીઝ થયેલી સેન્સર કરેલી ફિલ્મને પ્લેટફોર્મ પરથી હટાવવાની અપેક્ષા નહોતી રાખી. મારી ટીમ અને મારો ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો અને અમે આ મુદ્દાની ગંભીરતા સમજીએ છીએ. હું એવી વ્યક્તિ છું જે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર અને વારંવાર દેશભરના મંદિરોની મુલાકાત લેનાર છું. આ છેલ્લી વાસ્તુ હશે જે હું જાણી જોઇને કરીશ. જેમની લાગણીઓને ઠેસ પંહોચી છે હું નિષ્ઠાપૂર્વક અને દિલથઈ માફી માંગુ છું.

આગળ તેણીએ લખ્યું કે, ’આ ફિલ્મ પાછળનો હેતુ દરેકને પ્રેરિત કરવાનો હતો, હેરાન કરવાનો નહીં. છેલ્લા ૨ દાયકાથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી સફર એક ઉદ્દેશ્ય પર આધારિત છે – સકારાત્મક્તા ફેલાવો અને દરેક પાસેથી બધું શીખો.’

ફિલ્મના અનેક દ્રશ્યો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ છોકરીની વાર્તા દર્શાવવામાં આવી છે, જેના પિતા મંદિરના પૂજારી છે. પરંતુ છોકરીએ ટોપ શેફ બનવું છે અને તેના માટે નોન-વેજ ડીશ પણ બનાવી પડે છે. આ છોકરીનો એક મિત્ર તેને આ પડકારોને દૂર કરવામાં મદદ કરે છે, જેમાં નોન-વેજ ફૂડ અને રસોઈ બંનેનો સમાવેશ થાય છે.

એક સીનમાં નયનતારાના પાત્રની નોન-વેજ વિશેની ખચકાટ દૂર કરવા માટે, તેનો મિત્ર એક દ્રશ્યમાં કહેતો જોવા મળે છે કે ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણ પણ તેમના વનવાસ દરમિયાન નોન-વેજ ખાતા હતા. આ ફિલ્મમાં ભગવાન શ્રી રામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી અને તેમને માંસાહારી ગણાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મ સાથે સંકળાયેલા કેટલાક સંગઠનોએ આ ફિલ્મ પર હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો આ પછી નેટલિક્સે તરત જ આ ફિલ્મને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધી.