વીસનગર, ભ્રષ્ટાચારની ફરીયાદો ઉઠવાને લઈ રાજ્યના એસીબી દ્વારા વધુ એક ડિકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મહેસાણા જિલ્લાના વિસનગર વિસ્તારમાં પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હોવાને લઈ એક ડિકોયર તૈયાર કરીને એસીબીએ ત્રણ પોલીસ કર્મીઓ અને એક જીઆરડી સહિત ચાર સામે કાર્યવાહી કરી છે.
વધતા જતા ભ્રષ્ટાચાર સામે એસીબીએ કાર્યવાહી ઝડપી બનાવી છે. આવી જ રીતે મહેસાણા જિલ્લામાં ગાંધીનગર એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વિસનગર પોલીસના કેટલાક કર્મીઓ કે જ પોલીસની સેકન્ડ મોબાઇલમાં ફરજ બજાવે છે, તેઓ વાહન ચાલકોને યેનકેન પ્રકારે પરેશાન કરી લાંચની રકમ ઉઘરાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી.
જેને લઈ ગાંધીનગર એસીબી દ્વારા આ અંગે ડિકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે મુજબ વિસનગરના કાંસાથી વાલમ જવાના માર્ગ પર ડિકોય ટ્રેપ ગોઠવતા તેમાં સેકન્ડ મોબાઇલના પોલીસ કર્મીઓ ઝડપાઇ આવ્યા હતા. એસીબીએ બે કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાનને સ્થળ પર જ ઝડપી લીધા હતા. જયારે એક કોન્સ્ટેબલ દેવેન ચૌધરી એસીબીની ટ્રેપ હોવાનું જાણતા જ દોટ મૂકીને ભાગી છૂટ્યો હતો.
મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જીઆરડી અને ટીઆરબી જવાનો તેમજ વચેટીયાઓ દ્વારા વાહન ચાલકોને પરેશાન કરીને લાંચ માંગતા હોવાની ફરિયાદ ઉઠી હતી. વિસનગરમાં પણ આવી ફરિયાદ ઉઠવાને લઈ ગાંધીનગર એસીબી દ્વારા ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જે ટ્રેપમાં વિસનગર પોલીસ સ્ટેશનની સેકન્ડ મોબાઇલ વાનના કર્મચારીઓ ૨૦૦ રુપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
એસીબીની ટીમે વોચ રાખીને એક ડિકોયરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે મુજબ એસીબીની ટીમે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇને ડિકોય ટ્રેપ ગોઠવી હતી. જે મુજબ ડિકોયરની પાસેથી લાંચની રકમ ૨૦૦ રુપિયા પોલીસ કર્મી પ્રકાશ ચૌધરીએ માંગી હતી. જે રકમ માંગીને સ્વિકારતા જ એસીબીની ટીમે સ્થળ પરથી જ બે પોલીસ કર્મી અને એક જીઆરડી જવાનને ઝડપી લીધો હતો. જ્યારે એક પોલીસ કર્મી સ્થળ પરથી મોકો જોઇને ભાગી છૂટ્યો હતો.
જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પ્રકાશ પ્રતાપભાઇ ચૌધરી, લોકરક્ષક, સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન નાસીરબેગ અસ્લમબેગ મીરઝા, અ.હે.કોન્સ. સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન નિખીલસિંહ ગોબરજી ઠાકોર નોકરી-જી.આર.ડી., સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન દેવેન હેમરાજભાઇ ચૌધરી, અ.પો.કો. નોકરી-સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન.