વિશ્વ સંઘર્ષને કારણે સંકટનો સામનો કરી રહ્યું છે, તે કોઈના હિતમાં નથી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકામાં નવનિર્મિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત પી ૨૦ સમિટનું ઉદ્ઘાટન કર્યું.

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે જી ૨૦ સભ્ય દેશોની સંસદોના પ્રમુખપદ (પી૨૦)ના નવમા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ સમિટ એક રીતે વિશ્ર્વભરની વિવિધ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. તમારા બધા પ્રતિનિધિઓ વિવિધ સંસદીય કાર્યશૈલીના અનુભવી છો. આપણા બધા માટે ખૂબ જ આનંદની વાત છે કે તમે આવા સમૃદ્ધ લોક્તાંત્રિક અનુભવો સાથે ભારત આવી રહ્યા છો.

ઈઝરાયેલમાં ઉભી થયેલી કટોકટીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયાના અલગ-અલગ ખૂણામાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી કોઈ પણ અછૂત નથી. આજે વિશ્ર્વ સંઘર્ષને કારણે સંકટનો સામનો કરી રહ્યું છે. આ કોઈના હિતમાં નથી. વિભાજિત વિશ્ર્વ માનવતાનો સામનો કરી રહેલા મહાન પડકારોનો ઉકેલ આપી શક્તું નથી. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે. સાથે મળીને આગળ વધવાનો સમય છે. આ સમય દરેકના વિકાસ અને કલ્યાણનો છે. આપણે વૈશ્ર્વિક વિશ્ર્વાસની કટોકટીને દૂર કરવી પડશે અને માનવ-કેન્દ્રિત વિચારસરણી પર આગળ વધવું પડશે. આપણે એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય સાથે વિશ્ર્વને આગળ વધારવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે લગભગ ૨૦ વર્ષ પહેલા આતંકવાદીઓએ આપણી સંસદને નિશાન બનાવી હતી. તે સમયે સંસદનું સત્ર ચાલી રહ્યું હતું અને આતંકવાદીઓનો ઈરાદો સાંસદોની ધરપકડ કરીને તેમને ખતમ કરવાનો હતો. દુનિયાને એ પણ અહેસાસ થઈ રહ્યો છે કે આતંકવાદ દુનિયા માટે કેટલો મોટો પડકાર છે. જ્યાં પણ આતંકવાદ થાય છે, ગમે તે કારણોસર, કોઈપણ સ્વરૂપમાં, તે માનવતા વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં આપણે બધાએ આતંકવાદને લઈને કડક થવું પડશે. આતંકવાદની વ્યાખ્યા પર સર્વસંમતિ નથી એ ખૂબ જ દુ:ખદ છે. આજે પણ યુએન આની રાહ જોઈ રહ્યું છે. વિશ્ર્વના આ વલણનો લાભ માનવતાના દુશ્મનો ઉઠાવી રહ્યા છે. વિશ્ર્વભરના પ્રતિનિધિઓએ વિચારવું પડશે કે આપણે આતંકવાદ સામે કેવી રીતે કામ કરી શકીએ.

પીએમ મોદીએ કહ્યું, ’આવતા વર્ષે ભારતમાં ફરી એકવાર સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ જોવા માટે હું પી૨૦ સમિટમાં તમારા બધા પ્રતિનિધિઓને આગોતરૂ આમંત્રણ આપું છું. ભારત ફરીથી તમારી યજમાની કરીને ખૂબ જ ખુશ થશે.

તેમણે કહ્યું કે ભારતમાં આપણે સામાન્ય ચૂંટણીને સૌથી મોટો તહેવાર માનીએ છીએ. ૧૯૪૭ માં આઝાદી પછી, ભારતમાં ૧૭ સામાન્ય ચૂંટણીઓ અને ૩૦૦ થી વધુ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે. ભારત માત્ર વિશ્ર્વની સૌથી મોટી ચૂંટણીઓ જ કરાવતું નથી, પરંતુ તેમાં લોકોની ભાગીદારી પણ વધી રહી છે. દેશવાસીઓએ મારી પાર્ટીને સતત બીજી વખત વિજયી બનાવ્યો છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માનવ ઇતિહાસની સૌથી મોટી માનવીય કવાયત હતી. જેમાં ૬૦ કરોડ મતદારોએ ભાગ લીધો હતો. ત્યારે ભારતમાં ૯૧ કરોડ નોંધાયેલા મતદારો હતા, જે સમગ્ર યુરોપની કુલ વસ્તી કરતા વધુ છે. આ દર્શાવે છે કે ભારતમાં સંસદીય પ્રક્રિયાઓમાં લોકોને કેટલો વિશ્ર્વાસ છે.અગાઉ લોક્સભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ૯મી જી૨૦ પાર્લામેન્ટરી સ્પીર્ક્સ સમિટ (પી૨૦)માં પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. આ પછી તેમણે કોન્ફરન્સ (પી ૨૦)ને સંબોધિત કરી. તેમણે કહ્યું કે તે ખૂબ જ ગર્વની વાત છે કે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી જી૨૦ લીડર્સ સમિટમાં નવી દિલ્હી ઘોષણા સર્વસંમતિથી સ્વીકારવામાં આવી હતી. આ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવશાળી નેતૃત્વ અને વૈશ્ર્વિક વિઝનને દર્શાવે છે. તે વૈશ્વિક પડકારો પર જી ૨૦ દેશોની એક્તા અને પ્રતિબદ્ધતાનો પણ પુરાવો છે.પી ૨૦ સમિટ લોક્તાંત્રિક મૂલ્યોના આંતરરાષ્ટ્રીય સંકલન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને વૈશ્ર્વિક મહત્વના મુદ્દાઓ અને સમકાલીન પડકારોને સંબોધવા માટે સંસદીય પ્રયાસો વહેંચે છે. લોકશાહી એ આપણો સૌથી અમૂલ્ય વારસો છે. લોકશાહી આપણી જીવનશૈલી, આચાર, વિચારો અને વર્તનમાં છે. એક રીતે, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં સમાઈ જાય છે. વડા પ્રધાનના કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભારતના જી ૨૦ અધ્યક્ષતાના વ્યાપક માળખાના ભાગરૂપે સંસદ દ્વારા સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જી ૨૦ ના ભારતના પ્રમુખપદની જેમ, નવમી પી૨૦ સમિટની થીમ ’એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ’ છે.ઉલ્લેખનીય છે કે ગુરુવારે પી ૨૦ સમિટ શરૂ થઈ ગઈ છે. પરંતુ મુખ્ય કાર્યક્રમ આજે એટલે કે ૧૩મી ઓક્ટોબર અને ૧૪મી ઓક્ટોબરે છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફની થીમ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ.