પ્રીમેચ્યોર ડિલિવરી એટલે કે ગર્ભાવસ્થાના નિયત સમય પૂર્વે બાળકનો જન્મ એ બાળ મૃત્યુના મુખ્ય કારણો પૈકીનું એક છે. વૈશ્વિક સરખામણીએ ભારતમાં પ્રીમેચ્યોર ડિલિવરીનું પ્રમાણ ઘણું વધારે છે. ભારતમાં 2020માં 30.2 લાખ પ્રીમેચ્યોર ડિલિવરી નોંધાઈ હતી, જે વિશ્વમાં થયેલ પ્રીટર્મ બર્થના 20 ટકા જેટલી હતી તેમ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવાયું છે. 2020માં વૈશ્વિક સ્તરે 1.34 કરોડ પ્રીમેચ્યોર બાળકોનો જન્મ થયો હતો, જે પૈકીના 10 લાખથી વધુ બાળકો જન્મપૂર્વેની વિવિધ બીમારીઓને લીધે મૃત્યુ પામ્યાં હતાં.
ભારત બાદ સૌથી વધુ પ્રીટર્મ બર્થ બાંગ્લાદેશમાં નોંધાયા હતાં. ત્યાર પછીના ક્રમે પાકિસ્તાન, નાઈજીરીયા, ચીન, ઈથિયોપીયા, કોંગો તથા અમેરિકાનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ), યુનિસેફ તથા લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા આ અભ્યાસમાં જણાવ્યાં અનુસાર 2020માં વિશ્વમાં નોંધાયેલી કુલ પ્રીમેચ્યોર ડિલિવરી પૈકીની 50 ટકા આ આઠ દેશોમાં નોંધાઈ હતી.
આ દેશોમાં ગર્ભાવસ્થાના નિયત સમય પૂર્વે જન્મતા બાળકોના ઊંચા પ્રમાણ માટે માટે વસતિનું વધુ પ્રમાણ, કુલ જન્મની ઊંચી સંખ્યા, નબળી આરોગ્ય વ્યવસ્થા સહિતના કારણો જવાબદાર છે. અભ્યાસમાં જણાવ્યાં અનુસાર વિશ્વભરમાં દર 10માંથી એક બાળક 37 સપ્તાહ પૂર્વે જન્મે છે. પ્રીમેચ્યોર જન્મેલાં બાળકોમાં જટિલ રોગ, વિકલાંગતા, શારીરિક-માનસિક વિકાસમાં વિલંબ, ડાયબિટીસ તથા હૃદયને લગતી બીમારીઓ સહિતની અનેક બીમારીઓ થવાની શક્યતા વધુ રહે છે. આથી આવા બાળકોની ઉપરાંત માતાઓની વિશેષ કાળજી લેવી જરૂરી છે, જેથી તેમનું જીવન બચાવી શકાય તેમ આ અભ્યાસના લેખકોએ જણાવ્યું છે.
અભ્યાસમાં જણાવ્યાં અનુસાર 2020માં ભારતમાં 30.2 લાખ પ્રીમેચ્યોર બાળકોનો જન્મ થયો હતો જે વિશ્વના કુલ 20 ટકા છે. અભ્યાસમાં જણાવ્યાં અનુસાર મોટાભાગની પ્રીમેચ્યોર ડિલિવરી નીચી અથવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં નોંધાઈ છે. દક્ષિણ એશિયામાં ભારત પછી બીજા ક્રમે બાંગ્લાદેશમાં સૌથી વધુ 16.2 ટકા પ્રીટર્મ બર્થ નોંધાયા હતાં. જ્યારે પાકિસ્તાનમાં આ પ્રમાણ 14.4 ટકા રહેવા પામ્યું હતું. હૂના ડો. અંશુ બેનરજીના જણાવ્યાં અનુસાર, સમયપૂર્વે જન્મેલાં બાળકોમાં જીવલેણ બીમારીઓ થવાની શક્યતા સૌથી વધુ રહેલી હોવાથી તેમના આરોગ્યની વિશેષ સંભાળ લેવી અત્યંત આવશ્યક છે.