વિશ્ર્વ યોગ દિવસે મહિસાગર બન્યું ‘યોગમય’: મહીસાગર જીલ્લા કક્ષાનો વિશ્ર્વ યોગ દિવસનો કાર્યક્રમ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો.

  • મહીસાગર જીલ્લા કક્ષાનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતમાં યોજાયો.
  • ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્ર્વમાં ’વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે- શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર.

મહીસાગર, નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી મહીસાગર જીલ્લા કક્ષાના યોગ દિવસ લુણાવાડાપોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો

21મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે મહીસાગર જીલ્લાના લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયેલા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સાર્થક પ્રયાસોથી સમગ્ર વિશ્ર્વમાં યોગ પ્રચલિત બનતા ભારત માતાને અનેરૂ ગૌરવ મળ્યું છે અને આપણી ભારતીય સંસ્કૃતિની સ્વાસ્થ્ય ધરોહર યોગને વૈશ્ર્વિક સ્વીકૃતિ મળી છે.

આ પ્રસંગે શિક્ષણમંત્રી વધુમાં જણાવ્યું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્ર્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડાપ્રધાનને ફાળે જાય છે. યોગ અભ્યાસથી સ્વસ્થ-તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું ઉદાહરણ આપણા ઋષિ-મુનિઓ, યોગાચાર્યોએ સમગ્ર વિશ્ર્વને પૂરૂં પાડ્યું છે. કહેવતમાં કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા ત્યારે આપણે સૌએ સારા સ્વાસ્થ્ય અને આરોગ્યની સુખાકારી માટે યોગ વિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

‘વિશ્ર્વ યોગ દિવસ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો યોગ વિશેનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સુરત ખાતે વિશ્ર્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું પણ જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું જેનો સૌએ લાભ લીધો હતો.

આ યોગ દિવસ નિમિતે મહીસાગર જીલ્લા કલેકટર ભાવિન પંડયા, જીલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ, જીલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, અગ્રણી પ્રદીપસિંહ, અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત જીલ્લા કક્ષાના યોગદિન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ યોગાભ્યાસમાં જોડાયા હતા.