વિશ્ર્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ ૨૭,૦૦૦ કરોડથી વધુની બમ્પર કમાણી કરી : સંસદમાં ચર્ચા થઇ

નવીદિલ્હી, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઇ) એ વિશ્ર્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને તેણે કમાણીની બાબતમાં ફરી એકવાર પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું છે. બીસીસીઆઇએ પાંચ વર્ષમાં ૨૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૨૨ના પાંચ વર્ષ દરમિયાન, બીસીસીઆઇને કુલ ૨૭,૪૧૧ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ માહિતી આપી છે.

રાજ્યસભામાં માહિતી આપતા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બીસીસીઆઇને આ આવક ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના મીડિયા અધિકારો, સ્પોન્સરશિપ અને રેવન્યુ શેર દ્વારા પ્રાપ્ત થઈ છે. પંકજ ચૌધરીએ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સાંસદ અનિલ દેસાઈના પ્રશ્ર્નના જવાબમાં આ માહિતી આપી હતી. અનિલ દેસાઈએ સંસદમાં પ્રશ્ર્ન પૂછ્યો હતો કે શું કેન્દ્ર સરકારને એ વાતની જાણ છે કે બીસીસીઆઇવિશ્ર્વની બીજી સૌથી ધનિક રમત સંસ્થા છે? આ સિવાય તેમણે સરકારને છેલ્લા પાંચ વર્ષમાં બીસીસીઆઈની આવક, ખર્ચ અને ટેક્સની વિગતોની માહિતી આપવા પણ વિનંતી કરી.

એક પ્રશ્ર્નના જવાબમાં પંકજ ચૌધરીએ ગૃહમાં જણાવ્યું હતું કે સરકાર વૈશ્ર્વિક સ્તરે રમતગમત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અંગેનો ડેટા જાળવી શક્તી નથી, પરંતુ તેમણે બીસીસીઆઇનો ડેટા ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભા સાથે શેર કર્યો છે.

બીસીસીઆઈએ પણ આ પાંચ વર્ષમાં સારો એવો ટેક્સ ચૂકવ્યો છે અને તેનો આંકડો ૪૨૯૮ કરોડ રૂપિયા રહ્યો છે. બીસીસીઆઈએ આ પાંચ વર્ષમાં ૧૫,૧૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે. બીસીસીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૧૮માં રૂ. ૨૯૧૭ કરોડની આવક દર્શાવી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૨માં વધીને રૂ. ૭૬૦૬ કરોડ થઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ આઇપીએલ અને ભારતીય ક્રિકેટના મીડિયા અધિકારોની કિંમતમાં વધારો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં બીસીસીઆઈની કમાણી વધી જશે કારણ કે તેણે ડિઝની સ્ટાર અને વાયાકોમ ૧૮ સાથે પાંચ વર્ષ માટે રૂ. ૪૮,૩૯૦ કરોડનો સોદો કર્યો છે. તે જ સમયે, તેણે એડિડાસ અને ડ્રીમ૧૧ જેવા નવા પ્રાયોજકો પણ પ્રાપ્ત કર્યા છે. પાંચ વર્ષ માટે આઈપીએલના મીડિયા અધિકારો ઉપરાંત અન્ય કેટલાક સોદા પણ છે.

૨૦૧૭ માં, બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા અધિકારો સ્ટાર ઇન્ડિયાને, જે હવે ડિઝની સ્ટાર તરીકે ઓળખાય છે, રૂ. ૧૬,૧૪૭ કરોડમાં વેચ્યા હતા. આ રકમ બમણી કરતાં પણ વધુ થઈ ગઈ છે કારણ કે ૨૦૦૮ થી ૨૦૧૭ સુધીના ૧૦ વર્ષ દરમિયાન, સમાન આઈપીએલ અધિકાર સોની પિક્ચર્સ નેટવર્ક્સને રૂ. ૮૨૦૦ કરોડમાં વેચવામાં આવ્યા હતા.