રાજકોટ,વિશ્ર્વમાં પ્રથમ વખત રાજકોટમાં ગૌ આધારિત ઉદ્યોગો માટેનો એક્સ્પો યોજાનાર છે. આગામી ૨૪ મેથી ૨૮ મે સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જીએયુ ટીઇસીએચ ૨૦૨૩ એક્સ્પોનું પૂર્વ કૃષિમંત્રી સંઘાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, આ એક્સપોમાં વિશ્ર્વભરના ગૌ પ્રેમીઓ, ગૌ-પાલકો, પશુપાલકો તેમજ ઉદ્યોગ સાહસિકો પણ ભાગ લેશે અને ગાયના ગોબર અને ગૌમૂત્ર માંથી કયા પ્રકારની વસ્તુઓ બનાવી શકાય, તેમજ તેમાં કેવી રીત નવું નવું રિસર્ચ કરી શકાય આ તમામ બાબતો એક્સપોમાં જોવા મળશે. આ એક્સપોને લઈને ખેડૂતો તેમજ પશુપાલકોને આર્થિક લાભ મળશે.
માલધારીઓના હિજરત અંગે સંઘાણીએ જણાવ્યું હતું કે, પાણી કુદરત આધારિત હોય છે. જ્યાં પાણી હોય એ બાજુ માલધારીઓ જતા હોય એ વર્ષો જૂની પરિસ્થિતિ છે. જોકે સરકાર દ્વારા કચ્છનાં માલધારીઓને હિજરત કરવી ન પડે તે માટે કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. તો ખાતરના ભાવ અંગે તેમણે કહ્યું હતું કે, યુરિયાથી નુક્સાન થાય અને જમીન બગડે છે એટલા માટે અમે યુરિયા બંધ કરવા માટે કામ કરી રહ્યા છીએ. અગાઉનાં વર્ષોમાં ખાતરની શોર્ટેજ હતી. જોકે આ વર્ષે અછત નહીં હોવાને કારણે ખાતરના ભાવોમાં વધારો નહીં થાય.
નોંધનીય છે કે, જીએયુ ટીઇસીએચ ૨૦૨૩ એક્સપોમાં માત્ર ગૌ આધારિત ઉદ્યોગો માટેના જ સ્ટોલ હશે. ગૌમૂત્ર અને ગોબરમાંથી બનતી તમામ વસ્તુઓ અહીં જોવા મળશે. જેને લઈને ટ્રેડર્સ, ઇન્વેસ્ટર અને એક્સપોર્ટરો એક્સાથે જોવા મળશે. ગૌ આધારિત એક્સપોથી ગાયોની સંખ્યા વધશે. અને ખેડૂતને આથક ફાયદો થતા દેશના વિવિધ ગામડાઓ આત્મનિર્ભર બનશે. તેમજ પશુપાલન અને ખેતી ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ અંગે ખેડૂતોને પણ ઘણું નવું શીખવા મળશે. ત્યારે હાલ તો આ એક્સપોને લઈ ખેડૂતો અને પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.