નોબેલ વિઝલ ઓસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી એન્ટોન ઝિલિંગરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ આધ્યાત્મિક છે અને વિશ્ર્વના ઘણા નેતાઓએ તેમની આ લાક્ષણિક્તાને અપનાવવી જોઈએ. ઓસ્ટ્રિયાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ એન્ટોન ઝિલિંગર સાથે મુલાકાત કરી અને ક્વોન્ટમ ટેક્નોલોજી તેમજ આધ્યાત્મિકતા પર ચર્ચા કરી.
૨૦૨૨માં ભૌતિક શાસ્ત્ર માં નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિકે કહ્યું, જ્યારે તમે પ્રતિભાશાળી યુવાનોને તેમના પોતાના વિચારોના આધારે સંશોધન કરવા માટે સમર્થન આપો ત્યારે જ ખરેખર નવા વિચારોનો ઉદય થાય છે. આ એવું કંઈક છે જે દરેક દેશમાં થઈ શકે છે, ચોક્કસપણે ભારતમાં પણ, કારણ કે ભારતનો આધ્યાત્મિક અને તકનીકી ભૂતકાળ ખૂબ જ વ્યાપક અને સમૃદ્ધ છે.
વિદેશ મંત્રાલયે પીએમ મોદી અને નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિકની મુલાકાત વચ્ચેની બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમ વિશે જાણકારી આપી હતી કે તેઓ ચાર અગ્રણી ઓસ્ટ્રિયન ઈન્ડોલોજિસ્ટ અને ભારતીય ઈતિહાસના વિદ્વાનોને મળ્યા હતા. તેઓ બૌદ્ધ દર્શનના વિદ્વાન અને ભાષા શાસ્ત્રી ડો. બિરગિટ કેલનર, આધુનિક દક્ષિણ એશિયાના વિદ્વાન પ્રો. માટન ગેન્સજલે વિયેના યુનિવર્સિટીના સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર ડો. બોરાયિન લારિઓસ અને વિયેના યુનિવસટીના ઈન્ડોલોજી વિભાગના પ્રમુખ ડો. કરિન પ્રિસેન્ડાન્ઝ સાથે પણ વાતચીત કરી. પ્રધાનમંત્રીએ આ વિદ્વાનો સાથે ઈન્ડોલોજી અને ભારતીય ઈતિહાસ, દર્શન, કલા અને સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ચર્ચામાં વિદ્વાનોએ ભારત સાથેના તેમના શૈક્ષણિક અને સંશોધન સંબંધો વિશે વાત કરી હતી.
આ નેતાઓને મળવા સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર સાથેની તેમની સત્તાવાર મુલાકાત પહેલાં કહ્યું હતું કે ભારત-ઓસ્ટ્રિયા મિત્રતા મજબૂત છે અને આવનારા સમયમાં વધુ મજબૂત થશે. પીએમ મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર નેહમર વચ્ચેની વાતચીત બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાન અને ચીન પર પરોક્ષ પ્રહાર કરતા બંને દેશોએ સીમા પાર અને સાયબર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરી હતી.