મુંબઇ, વનડે વિશ્ર્વ કપ ૨૦૨૩ ને લઈ આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન સૌથી વધુ રાહ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ જોવામાં આવી રહી છે. અમદાવાદમાં હાઈવોલ્ટેજ મેચ રમાનારી છે. આ માટે બીસીસીઆઇ જ નહીં પરંતુ દેશ અને વિદેશના ચાહકો પણ અમદાવાદમાં મેચ જોવા માટે થઈને તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય બોર્ડ અમદાવાદ સહિતના ૧૦ તમામ સ્ટેડિયમ કે જ્યાં વિશ્ર્વ કપની મેચ રમાનારી છે, જેને તૈયાર કરવામાં લાગી ચુક્યુ છે. આમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જોકે આ દરમિયાન રિપોર્ટસ આવી રહ્યા છે કે, પાકિસ્તાનનુ સિક્યુરીટી ડેલીગેશન ભારત આવનનાર છે.
પાકિસ્તાનથી આવનારા અધિકારીઓની ટીમ જે પાંચ સ્થળો પર પાકિસ્તાનની ટીમ મેચ રમનાર છે અને રોકાણ કરનાર છે એ સ્થળોની મુલાકાત છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વિશ્ર્વ કપમાં લીગ તબક્કાની મેચ પાંચ શહેરોમાં રમનાર છે. આ સ્થળમાં અમદાવાદ ઉપરાંત ચેન્નાઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને કોલકાતાનો સમાવેશ થાય છે.
સવાલ એ થતો હશે કે, પાકિસ્તાન દ્વારા જે ડેલિગેશન આવશે એ કરશે શું. તો આ ડેલિગેશન આવીને એ તમામ સ્થળોના સલામતીના સંદર્ભમાં માહિતી મેળવશે. તમામ સ્થળો પર ખેલાડીઓ અને ચાહકો તથા મીડિયા માટે કેવા પ્રકારની સુવિધાઓ હશે તેનો અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલ પાકિસ્તાન સરકારને આપવામાં આવશે. આ ડેલિગેશન રિપોર્ટના આધાર પર પાકિસ્તાન ક્રિકેટ ટીમને તેઓની સરકાર દ્વારા ભારત પ્રવાસ અંગે મંજૂરી આપશે એમ માનવામાં આવે છે.
રીપોર્ટ્સ મુજબ ડેલિગેશન દ્વારા સ્થળ અંગેની વિગતો મેળવ્યા બાદ સુવિધા કે સુરક્ષાને લઈ કોઈ અસંતોષ જણાશે તો તેઓએ પાકિસ્તાનની સરકારને લેખિત અહેવાલમાં જાણકારી આપશે. જેને આધારે પાકિસ્તાન સરકાર તેમના ક્રિકેટ બોર્ડ મારફતે મેચનુ સ્થળ બદલવા માટે માંગ કરી શકે છે. એટલે કે આઇસીસી અને બીસીસીઆઇને આ અંગે સ્થળ બદલવા માટે બતાવી શકે છે.
માનવામાં આવી રહ્યુ છે કે, ડેલિગેશનની મુલાકાત બાદ આવી જ માંગણી કરવામાં આવી શકે છે, કારણ કે અમદાવાદ સહિતના સ્થળને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વાંધો ઉઠાવ્યો હતો. પીસીબીએ શેડ્યૂલના એલાન પહેલા જ ૨ સ્થળોને બદલવાને લઈ માંગ કરી હતી. બેંગ્લુરુમાં પણ ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાને લઈ પાકિસ્તાને મુશ્કેલી બતાવી હતી. જ્યારે અફઘાનિસ્તાન સામે ચેન્નાઈમાં રમવાને લઈ વાંધો રજૂ કર્યો હતો. આસીસીને આ માટે લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ શેડ્યૂલમાં કોઈ જ ફેરફાર થયો નહોતો.