
વન-ડે વર્લ્ડકપને આડે હવે પૂરો બે મહિનાનો પણ સમય રહ્યો નથી અને તાજેતરમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 શ્રેણી ગુમાવી દીધી છે જેમાં ટીમમાં અનેક કમી અને ખામી ખુલ્લી પડી છે. રોહિત શર્માની સેના સામે આવી અનેક કમી દુર કરવાનો પડકાર છે. ઓલરાઉન્ડરની કમી અને વિકેટકિપેરોની નિષ્ફળતાની પરેશાની વધારી દીધી છે. ઉપરાંત પૂંછડીયા ક્રમને મજબુત બનાવવાની પણ કસોટી છે.
ટીમ ઇન્ડીયાને બેટીંગમાં છેવટ સુધીના ખેલાડીઓ પર ભરોસો રાખવો પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત ખેલાડીઓની ઇજા પણ મુશ્કેલી સર્જી રહી છે. ટીમમાં ત્રીજા ઓલરાઉન્ડર સામે સવાલ ઉઠી રહ્યો છે. છેલ્લા કેટલાક વખતથી હાર્દિક પંડયા પણ ફોર્મમાં ન હોવાથી ચિંતાનો વિષય છે.
વેસ્ટ ઇન્ડીઝ વિરૂધ્ધ ટી-20 શ્રેણીમાં હાર થયા બાદ ખુદ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ માનવા લાગ્યા છે કે, નીચલા ક્રમની બેટીંગને મજબુત બનાવવાની જરૂર છે. આઇસીસી ટુર્નામેન્ટમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય ટીમનું પ્રદર્શન ઘણુ નિરાશાજનક રહ્યું છે. ભારતીય ટીમ છેલ્લા દસ વર્ષથી કોઇપણ આઇસીસી ટુર્નામેન્ટ જીતી શકી નથી. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 શ્રેણીમાં પરાજય અને વન-ડે શ્રેણી જીતવા છતાં પરફોર્મન્સ એકદમ સરેરાશ જ રહ્યું હોવાને કારણે એ સાબિત થઇ રહ્યું છે કે ભારતીય ટીમ અત્યારે ફુલ ફોર્મમાં નથી.
ક્રિકેટ નિષ્ણાંતોના માનવા પ્રમાણે વિશ્વ કપને ધ્યાને રાખીને ટીમ મેનેજમેન્ટે વિન્ડીઝ શ્રેણીમાં ટોચના 15 ખેલાડીઓને અજમાવવાની જરૂર હતી જેનાથી ટીમની તાકાત અને ખામીને પરખવામાં મદદ મળી શકત. પ્રથમ ત્રણ ક્રમે રોહિત શર્મા, શુભમન ગીલ અને વિરાટ કોહલીની જગ્યા ફિકસ છે. ચાર નંબરથી કસોટીની શરૂઆત થાય છે.
વર્લ્ડ કપ પૂર્વે એશીયા કપનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જ ગયું છે, વિવિધ ટીમોએ પોતપોતાની ટીમ જાહેર કરવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય મેનેજમેન્ટને હજુ ખેલાડીઓના ફિટનેસ રીપોર્ટની પ્રતિક્ષા છે. રાહતની વાત એ છે કે શ્રેયસ અય્યર અને કે.એલ.રાહુલ ફીટ થઇને એશિયા કપમાં સામેલ થઇ શકે છે. આ શકય બને તો શ્રેયસ અય્યર ચોથા નંબરે આવી શકશે. શ્રેયસ સંપૂર્ણ ફીટ ન હોય તો કે.એલ.રાહુલને આ સ્થાન મળી શકે છે, જોકે તિલક વર્માનું નામ પણ મેનેજમેન્ટના મગજમાં છે. શ્રેયસ અને રાહુલની વાપસી થવાના સંજોગોમાં ભારતીય ટીમની 7 નંબર સુધીની બેટીંગ સંખ્યા ફિકસ થઇ જશે.
જેમાં હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડ તરીકે સામેલ થશે. ટોચની બેટીંગની લાઇનઅપમાં રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી રહેશે. પૂંછડીયા બેટરોની સંખ્યા પણ ચિંતાજનક છે. સાર્દુલ અથવા અક્ષર પટેલ ઓલરાઉન્ડર તરીકે ફીટ થઇ શકે છે પરંતુ છેલ્લા કેટલાક મેચોમાં તેઓની બેટીંગ અસરકારક જોવા મળી નથી. કુલદિપ યાદવ સાથે પણ આ જ સમસ્યા છે.
તેવા સમયે 8 નંબરનો વિકલ્પ વિચારવો પડે તેમ છે. અક્ષર પટેલે ચાલુ વર્ષે 6 વન-ડેમાં માત્ર 16ની સરેરાશથી 64 રન બનાવ્યા છે અને 3 વિકેટ લીધી છેે. સાર્દુલ ઠાકુરે 7 મેચોમાં 45ની એવરેજથી રન બનાવ્યા છે અને 14 વિકેટ લીધી છે ત્યારે કુલદીપ યાદવે 1રની એવરેજથી 36 રન બનાવીને 11 મેચોમાં 22 વિકેટ લીધી છે.