વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી: ગોધરા આયુષ શાખા ખાતે ’હોમિયો પરિવાર : એક આરોગ્ય,એક કુટુંબ’ની થીમ સાથે કાર્યક્રમ યોજાયો

ગોધરા, પ્રતિ વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2024માં વિશ્વ હોમિયોપેથી દિવસની થીમ હોમિયો પરિવાર: એક આરોગ્ય,એક કુટુંબ આધારે ઉજવણી કરાઈ છે. ડો.ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિના દિવસે હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેઓ જર્મન ડોક્ટર હતા.તેમને હોમિયોપેથીના સ્થાપક કહેવામાં આવે છે. આ દિવસે ડોક્ટરો અને જેઓ આ માર્ગ પર આધાર રાખે છે, તેઓ ડો.હેનિમેનને યાદ કરે છે.

પંચમહાલ જીલ્લામાં પણ નિયામક આયુષ મંત્રાલયની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુષ શાખા, જીલ્લા પંચાયત પંચમહાલ તથા સરકારી આયુષ હોસ્પિટલ, પોપટપુરાના સંયુક્ત ઉપક્રમે આયુષ શાખા કચેરી, ગોધરા ખાતે વિશ્ર્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સદર કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જીલ્લાના મેડિકલ અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી, માલ્યાર્પણ કરી કેક કાપી સૌએ માસ્ટર હેનેમનના 269માં જન્મદિવસની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે હોમીયોપેથી વિશે પરિસંવાદ પણ કર્યો હતો અને સૌ મેડિકલ ઓફિસરોએ પોતાના અનુભવો વ્યકત કર્યા હતા.

આજે હોમિયોપેથી એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી દવા છે જે સમગ્ર વિશ્ર્વમાં પ્રચલિત છે. હોમિયોપેથીના સમર્થકો માને છે કે તે એલર્જી અને આર્થરાઈટિસથી લઈને ડિપ્રેશન અને અસ્વસ્થતા સુધીની સ્થિતિની વ્યાપક શ્રેણીની સારવાર કરી શકે છે. વિશ્ર્વ હોમિયોપેથી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આ અલગ-અલગ દવા પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાનો છે, જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે છે.