વિશાખાપટ્ટનમમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત

વિશાખાપટ્ટનમ,આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના રામજોગીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના અંગે વિશાખાપટ્ટનમના સીપી સીએચ શ્રીકાંતે જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત ઈમારતની બાજુમાં આવેલી જમીનમાં પાયો ખોદવામાં આવ્યો હતો અને બોરવેલનું કામ ચાલી રહ્યું હતું. આ કારણે ઈમારતનો પાયો નબળો પડી ગયો હતો અને ઈમારત ધરાશાયી થઈ હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ઈમારત બે દાયકા જૂની હતી.

સીએચ શ્રીકાંતે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ આખી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ૬ લોકોને બચાવ્યા હતા જેમાંથી બે બાળકો સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં અન્ય ઘાયલોને વિઝાગ શહેરની કેજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

હજુ ગઈકાલે દિલ્હીના રોહિણીમાં એક ખાલી અને ઘણા વર્ષો જૂની ચાર માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જો કે સ્થળાંતર અને રાત્રિના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ પોલીસ અને બચાવ ટીમને જાણ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના રાત્રે લગભગ પોણા બે વાગ્યાની આસપાસ બની હતી.