વિસાવદર, લોક્સભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, રાજકીય પક્ષોએ પૂરજોશમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી થવાની છે, અત્રે જણાવીએ કે, વિસાવદર વિધાનસભા બેઠક પણ ખાલી છે છતાં પણ તે બેઠક પર ચૂંટણી થવાની નથી, આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થવામાં વિલંબ થશે. કારણ કે, આ બેઠકનો કેસ હાઈકોર્ટ સૌથી પહોંચેલો છે.
ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી પરત ખેંચવા હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. મોહિત માલવિયાએ અરજી પરત ખેંચવા કોર્ટમાં અરજી કરી છે. ગત વિધાનસભા ચૂંટણી વખતે મોહિત માલવિયાએ ભૂપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પણ પેન્ડિંગ છે. જેમની અરજી પર ૧૨ એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. આપને જણાવીએ કે, વિસાવદર બેઠક મામલે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી પેટાચૂંટણી અટકી છે.
વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહી કરવા પાછળ એવું કારણ સામે આવ્યું હતું કે ૨૦૨૨માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિજેતા થયા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં ન આવી હતી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી એમએલએ બન્યા હતા. ભૂપત ભાયાણીએ ૭ હજાર ૬૩ મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.
વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી, ખંભાત બેઠક ચિરાગ પટેલે રાજીનામું આપતા ખાલી પડી, વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી જ્યારે માણાવદર બેઠક અરવિંદ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી છે અને પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી છે.