વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રાજપુર ખાતે 40 વર્ષ પહેલા ગ્રામજનોની પાણીની સુવિધા માટે ઓવરહેડ પાણીની ટાંકી બનાવાઈ હતી. જે હાલમાં અત્યંત જર્જરિત થઈ જવા સાથે તેના પાયાના સળિયા બહાર ડોકવા લાગતા ગમે ત્યારે આ ટાંકી ધરાશાઈ થઈ જાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
રાજપુર ગામમાં કોયડમ કાજીયાથી સાલૈયા જવાના મુખ્ય માર્ગથી માત્ર 20 ફુટ દુર આ પાણીની ટાંકી આવેલી છે. આ માર્ગ પરથી લોકોની અવર જવર સતત ચાલુ રહે છે. વહેલી સવારથી બાળકો, પશુપાલકો, રાહદારીઓ આ રસ્તેથી અવર જવર કરતા હોય છે. તેમજ આ ટાંકીની આસપાસમાં રહેણાંક મકાનો પણ આવેલા છે. ત્યારે આ જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાઈ જાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. જેને લઈને ગ્રામજનો દ્વારા વહેલી તકે કોઈ મોટી દુધર્ટના સર્જાય તે પહેલા ટાંકીને જમીનદોસ્ત કરવા માંગ કરાઈ છે. આ જર્જરિત ટાંકી ગઈ હોવાથી તંત્ર દ્વારા 10 વર્ષ પહેલા નવો સંપ બનાવાયો હતો.ત્યારથી આ ટાંકી બિનઉપયોગી હોય માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે. ગ્રામજનો દ્વારા અનેક વાર રજુઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાવવા પામ્યો છે. જયારે આ બાબતે ગ્રામ પંચાયતના હાલના વહીવટદારે જણાવ્યુ હતુ કે,આ ટાંકીને ઉતારી લેવા ગ્રામજનોની લેખિતમાં ફરિયાદ મળી છે પરંતુ ટાંકીને જમીનદોસ્ત કરવાની સત્તા અમારી પાસે નથી. પરંતુ અમે ઉપર રજુઆતો કરી વહેલી તકે આ બાબતે કાર્યવાહી કરીશુ તેમ જણાવ્યુ હતુ.