વિરપુર,
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના 32 જેટલા ગામોને સુજલામ સુફલામ યોજનામાંથી એકપણ ગામોને આજદિન સુધી લાભ મળ્યો નથી. આ વિસ્તારના ખેડુતોની ખેતી ચોમાસુ પર નિર્ભય બની છે ત્યારે આ વિરપુર તાલુકાના 32 ગામોનુ જળસંકટ નિવારવા તેમજ સિંચાઈનો લાભ આપવા સિંચાઈ વિભાગ દ્વારા રૂ.225.69 કરોડની યોજના મંજુર કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા, અરવલ્લી, મહિસાગર જિલ્લાના 8 તાલુકાઓ કપડવંજ, કઠલાલ, લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, મહુધા, ગળતેશ્ર્વર, અને બાયડ તાલુકાના ગામડાઓનો મોટી હિસ્સો નર્મદા મુખ્ય નહેર અને સુજલામ સુફલામ સ્પ્રડિંગ કેનાલની વચ્ચે આવેલો છે. આ 8 તાલુકાના મોટાભાગના ગામડાઓને કોઈ સ્ત્રોતમાંથી સિંચાઈના પાણીનો લાભ મળતો નથી. સિંચાઈથી વંચિત આ વિસ્તાર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. પરંતુ અનિયમિત ચોમાસુ અને કમાન્ડ વિસ્તાર પાસે સિંચાઈના સાધનોની સુવિધા ન હોઈ ખેતી માત્ર વરસાદ પર આધાર રાખે છે. ખરીફ વાવેતરને અને રવિ સીઝન માટે પાછી મળી રહે અને આ વિસ્તારમાં જળસંચયથી ભુગર્ભ જળ રિચાર્જ રહે તે માટે સરકારે રૂ.225.69 કરોડની યોજનાને સૈદ્ધાતિંક મંજુરી આપી છે. જેમાં મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના 32 ગામોના ખેતીની જમીનને સિંચાઈના પાણીનો લાભ મળતો થશે.