વિરપુર, વિરપુરનો એક વિસ્તાર જે પાણીની ટાંકી વિસ્તાર તરીકે ઓળખાય છે. જયાં એક જમાનામાં જુનુ બસ સ્ટેશન આવેલ હતુ. ભરચક વસ્તીની અવર જવર ધરાવતો આ વિસ્તાર હતો. સમય અને સંજોગો બદલાતા બસ સ્ટેશનની જગ્યા બદલાઈ ત્યારથી આ વિસ્તારની ઝહોઝલાલી દિવસે દિવસે ઢળતી ગઈ છે. હાલના સમયે આ વિસ્તાર માત્ર ગંદકી, કચરાના ઢગમાં ફેરવાઈ ગયો છે.અગત્યની વાત તો એ છે કે,ગ્રામ પંચાયત ભવનથી માત્ર 200 મીટર નજીક છે. તેવા વિસ્તારના લોકો પારાવાર ગંદકી અને કચરાના ઢગ સાથે રહેવા મજબુર બન્યા છે.
આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે તેમના દાદા-પરદાદાના વખતથી સમાજનો કોઈ વ્યકિતનુ મૃત્યુ થાય તો આ માર્ગ ઉપરથી અંતિમયાત્રા લઈ જવાતો હતો. જયારે કોઈ બાધા કે શુભ પ્રસંગ જુલુસ પણ આ જ માર્ગ ઉપરથી નીકળતુ હતુ. જયારે છેલ્લા કેટલાક વર્ષોથી પંચાયતની લાપરવાહીથી આરસીસી રોડ ઉપર ગટરનુ ગંદુ પાણી ફરી વળતા આ રોડ ઉપર ધાસ ઉગી નીકળી છે. જેને લઈ આજુબાજુના વિસ્તારમાં તિવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આ વિસ્તારના લોકોમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. બાળકો અને વૃદ્ધોનુ જીવન જોખમાયુ હોવાની ફરિયાદ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. આ વિસ્તારમાંથી ગટરના દુષિત પાણીના નિકાલ માટે કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેમ આ વિસ્તારના લોકોની માંગણી છે. વર્ષો જુની ગંદકી દુર કરી રસ્તો ખુલ્લો કરવાની માંગણી સાથે લોકો ઝઝુમી રહેલા બહેરા મુંગા તંત્ર સામે લાચાર બનીને આસ લગાવી બેઠા છે.ત્યારે આવનાર સમયમાં આ પ્રજા માટે તંત્ર કેવી કાર્યવાહી હાથ ધરે છે તે જોવુ રહ્યુ.