વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ડેભારીથી વિરપુર જવાના માર્ગ પરના આરસીસી પુલ ઉપર રિલીંગ નહિ હોવાના કારણે અકસ્માતની ભિતી સેવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેભારીથી વિરપુર માર્ગ બે વર્ષ અગાઉ કરોડો રૂપિયા ખર્ચીને નવીન માર્ગ બનાવ્યો છે. જે ડેભારી ગામની બહાર નીકળતા આરસીસી અંદાજિત 50 મીટરનો નાનો પુલ બનાવ્યો છે. જે પુલને અડીને ડિવાઈડર મુકવામાં આવ્યુ નથી. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પુલ ઉપર રેલિંગના અભાવે અવાર નવાર પસાર થતાં વાહન ચાલકોમાં બ્રિજથી નીચે 30 થી 50 ફુટ ઉંડા ખાડામાં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો છે. આ રોડ ઉપર આવેલા પુલ નીચેથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે. તેમજ આ પુલ ઉપરથી વાહનોને અવર જવર કરવા માટે બ્રિજ બનાવાયો છે. પણ છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ ઉપર બંને સાઈડ રેલિંગનો અભાવ હોય સાથે જ આ રોડ ઉપર રાત્રિના સમયે અંધારૂ હોય બ્રિજના ઉંડા ખાઈમાં વાહન પડી જવાનો અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા અવાર નવાર રજુઆત તંત્રને કરવામાં આવી છે. છતાં તંત્ર બેદરકાર બની રહ્યુ છે. આ રોડ ઉપરથી સંખ્યાબંધ વાહનો સાથે સ્કુલ બસ એસ.ટી.બસો સહિત વાહનો પસાર થાય છે. વહેલી તકે આ બ્રિજ ઉપર બંને સાઈડ રેલિંગ નાંખે તેવી માંગ ઉઠી છે.