વિરપુર ખાતે ટ્રક પલ્ટી જતાં એક વ્યકિતનુ મોત : ત્રણને ઈજાઓ

અમુલના પ્લાન્ટમાંથી પશુ આહારની 300 જેટલી ગુણો ભરીને વિરપુર તાલુકાની વિવિધ દુધ ડુરીમાં પશુ આહાર આપવા ડ્રાઈવર ટ્રક લઈને નીકળ્યો હતો. ગુણો ઉતારવાની હોવાથી બોર ગામથી ચાર મજુરો લીધા હતા. આ ચારેય મજુરો ટ્રકમાં મુકેલ ગુણો ઉપર બેઠેલ હતા. ટ્રક વિરપુર તરફ આવી રહી હતી ત્યારે અંબિકા સોસાયટીની સામેની બાજુ આવેલ વળાંકમાં ટ્રકની સ્પીડ અને સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સાથે ફીટ કરેલી ટ્રોલી પલ્ટી મારી ગઈ હતી. દાણની ગુણો રસ્તાની બાજુમાં ફંગોળાઈ હતી. આ અકસ્માત થતાં પસાર થતાં લોકો અને સોસાયટીના રહિશો દોડી આવ્યા હતા.

જયારે ટ્રોલીમાં બેઠેલા ચાર મજુરો પૈકી કિરણ જવાન પરમાર ગુણો નીચે દબાઈ જતાં ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે સોમાભાઈ ભલાભાઈને બંને પગે ધુંટણમાં મુંઢ માર, નગીનભાઈ રામાભાઈ પરમારને ડાબા પગે અને શરીરના ભાગે નાની-મોટી ઈજાઓ તેમજ ભારતભાઈ અભાભાઈ તલારને બંને પગે એડીના ભાગે અને છાતીના ભાગે માર વાગ્યો હતો. આ અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા અભાભાઈ તલાર દ્વારા વિરપુર પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર ફુલસિંહ વાઘેલા(રહે.વડોલ, તા.કપડવંજ)સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.