વિરપુર, વિરપુરની ભોૈગોલિક પરિસ્થિતિ જોતા નગરની ફરતે ચારેય બાજુ લાવરી નદીનુ વ્હેણ છે. અને વચ્ચે ગામ વસેલુ છે. આ નદીના તટ ઉપર રહેણાંક વિસ્તાર આવેલો છે. તેમનો એક વિસ્તાર દેસાઈનો ઢાળ જે છેવાડાનો વિસ્તાર છે જે નદીના પટ સાથે જોડાયેલો હોવાથી દર વર્ષે ચોમાસામાં નદીમાં પાણી આવતાની સાથે આ વિસ્તારની જમીન ધસી જવાની ધટના બની રહી છે. જેને લઈ નદીના પટનો વિસ્તાર વધતો જાય છે. જયારે સ્થાનિક રહેણાંક વિસ્તાર ધટી રહ્યો છે. આવુ બનતા ધણા લોકોની પોતાની માલિકીની જગ્યા નદીના પટમાં ફેરવાઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. વિરપુરના દેસાઈના ઢાળ વિસ્તારના જે નદીના 50 ફુટ ઉંડા ખાઈ વિસ્તારને અડીને આવેલ છે ત્યાં અમુક મકાનો અડધા પડી ગયેલ હાલતમાં અત્યારે પણ જોવા મળી રહ્યા છે. જયારે આ વિસ્તારમાં અવર જવરના રસ્તાની જમીન ધસી પડતા રસ્તો પણ સાંકડો બની ગયો છે. રસ્તાની બાજુમાં કોઈ રેલિંગ કે સેફટી માટેની સુવિધા પણ ન હોવાથી આવવા-જવાનુ મુશ્કેલ બન્યુ છે. આ વિસ્તારના સ્થાનિકો પોતાના મકાન મિલ્કતને લઈ ખુબ ચિંતિત બન્યા છે. આ સમસ્યા માટે તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં નદીની બાજુ પુરાણ કે અન્ય કોઈ પ્રોટેકશન દિવાલ જેવુ કોઈ નકકર પરિણામ મળ્યુ નથી. નદીના ભાગે ધરાશાઈ થયેલ જગ્યામાં અગાઉ કાચા મકાનો ધસી ગયા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. જયારે મકાનની જગ્યા પણ વ્હેણમાં વહી ગઈ છે.