વિરપુર, વિરપુર તાલુકાના ઉમરીયાથી દાંતલાને જોડતો મુખ્ય માર્ગ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ત્યારે ઉમરીયાથી દાંતલાને જોડતો મુખ્ય નવીન માર્ગ એક વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. જે માર્ગ બનાવ્યા પછી પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન રોડ પર ખોદકામ કરી પાઈપલાઈન નાંખવામાં આવી હતી. જે પાઈપલાઈનમાં એક માસથી વધુ સમયથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થાય છે. ત્યારે આ બાબતે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી હોવા છતાં પાઈપલાઈનનુ રિપેરીંગ કરવામાં આવતુ નથી. તો બીજી તરફ હાલ ધમધમતા ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ગંભીર પ્રશ્ર્ન ઉભો થયો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારીના પગલે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં પાઈપલાઈનનુ રિપેરીંગ કરવામાં આવે અને વ્યય થતાં પાણીને અટકાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.