મહિસાગર જીલ્લાના વિરપુર નગરના મુકેશ્ર્વર મહાદેવ ચોકડીથી સરાડીયા જવાનો માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ હાલતમાં થઈ જતાં સરાડીયા ગામના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે ટ્રાફિક જામ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
વિરપુર નગરના ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ વચ્ચે હવે અત્યંત બિસ્માર માર્ગો ધૂળિયો અને ખખડધજ બની ગયા છે. ખરાબ રસ્તાથી કંટાળેલા લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા વિરપુરના મુકેશ્ર્વર મહાદેવ ચોકડીથી સરાડીયા જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ હાલતમાં છે જેને લઈને સ્થાનીકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે.
ત્યારે નવીન માર્ગ માટે કેટલાક વર્ષોથી માંગ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન હાથ ધરતાં સરાડીયા ગામના ગ્રામજનો નાથાકાકાની મીલ પાસે આવી રસ્તા પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનોએ રસ્તો રોકી રાખતા ભારે ટ્રાફિક જામ સર્જાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અંતે ગ્રામજનોને સમજાવ્યા બાદ રસ્તો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. જોકે ગ્રામજનોને આવનાર દિવસોમાં રસ્તાનુ કામ નહીં કરવામાં આવે તો અ ચોક્કસપણે રસ્તા રોકોનુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.