વિરપુર વકફ બોર્ડના માલિકીની મસ્જિદના વહીવટમાં 71.58 લાખની ઉચાપત બાદ વહીવટદારની નિમણુંક

વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે આવેલી વકફ બોર્ડની મિલ્કતના વહીવટમાં નુરે મોહંમદી મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ભારે ગેરરિતીઓ આચરતા અંદાજે રૂ.71.58 લાખની ઉચાપત થઈ હોવા બાબતે વકફ ટ્રીબ્યુનલમાં અપીલ અરજી કરાતા વકફ ટ્રીબ્યુનલે અરજીને અંશત : ગ્રાહ્ય રાખી મસ્જિદના વહીવટ માટે વહીવટદારની નિમણુંક કરવાનો આદેશ કર્યો છે.

વિરપુરની વકફ બોર્ડની માલિકીની નુરે મોહંમદી મસ્જિદના વહીવટમાં ભારોભાર ગેરરિતીના આક્ષેપો સાથે નવામુવાડા ગામના રહીશ ધોરી મુગલભાઈ ગુલાબભાઈ દ્વારા રાજય વકફ બોર્ડ ટ્રીબ્યુનલમાં અપીલ કરાઈ હતી. જેમાં તેમણે મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા કુલ રૂ.71.58 લાખની માતબર રકમની ઉચાપત થઈ હોવાના આક્ષેપો કરી મસ્જિદના હિસાબોની તપાસ કરવા માંગ કરી હતી. જે અનુસંધાને ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલના ચેરમેન સવાઈસિંહ મોહનસિંહ રાજપુરોહિત અને બે ટ્રસ્ટી સભ્યો દિનેશ પુરૂષોત્તમ ચોૈહાણ અને અનવર હુસેન મોહંમદ રફીક શેખની બેંક દ્વારા હાથ ધરાયેલી સુનાવણીના અંતે અરજદારની અરજી અંશત : મંજુર કરીને નુરે મોહંમદી મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા કરાયેલા અનિયમિત નાણાંકિય વહીવટોની ગુજરાત રાજય વકફ બોર્ડ ત્રણ મહિનામાં તપાસ પુર્ણ કરે અને કસુરવારો સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવા આદેશ આપ્યો હતો. તદ્ઉપરાંત નુરે મોહંમદી મસ્જિદના વકફના સુયોગ્ય વહીવટ માટે તટસ્થ અને કુશળ વહીવટદાર(કારોબારી અધિકારી)ની નિમણુંક કરવાના પણ આદેશ કરી વહીવટદારે કસુરવાર મુતવલ્લીઓ પાસેથી ઉચાપત કરેલી રકમ તેમની ખાનગી મિલ્કતમાંથી વસુલ કરીને વકફ ફંડમાં જમા કરવાનો આદેશ આપ્યો હતો.