મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સવનીયા ગામના પીકઅપ સ્ટેન્ડની આસપાસ જંગલી વનસ્પતિ ઉગી નીકળતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સવનીયા ગામનુ આ પીકઅપ સ્ટેન્ડ છેલ્લા બે વર્ષથી જર્જરિત થવા સાથે બિનઉપયોગી બની ગયુ છે. જેના કારણે પીકઅપ બસ સ્ટેન્ડને જાણ જંગલી વનસ્પતિએ ભરડો લીધો હોય તેમ જણાઈ રહ્યુ છે. હાલ ચોમાસામાં આ નકામી વનસ્પતિનુ જંગલ વધી જતાં આખુ પીકઅપ સ્ટેન્ડ ઢંકાઈ જવા પામ્યુ છે. જેના કારણે મુસાફરો તેની આસપાસમાં પણ ઉભા રહી શકતા નથી. પરિણામે મુસાફરોને રોડની વચ્ચે ઉભા રહી બસની રાહ જોવી પડે છે. જેના કારણે ચોમાસામાં વરસાદ અને ઉનાળામાં તાપમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે વહેલી તકે આ સ્ટેન્ડની ફરતે ઉગી નીકળેલ જંગલી વનસ્પતિ દુર કરી પીકઅપ સ્ટેન્ડને મુસાફરો માટે ઉપયોગી બનાવાય તેવી માંગ કરવામાં આવી છે.