વિરપુરના રતનકુવા પાટીયા પાસે કારને ઓવરટેક કરતા જતાં વાનની ટકકરે બાઈક ચાલકનુ મોત

વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રતનકુવા પાટીયા પાસે સ્વિફ્ટ કાર, મારૂતિ વાન અને બાઈક વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં બાઈક સવારનુ ધટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુ. જયારે અન્ય વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી.

રતનકુવા પાટીયા પાસે વિરપુરથી બાલાસિનોર તરફ જઈ રહેલી સ્વિફટ કારને ઓવરટેક કરીને આગળ નીકળેલી મારૂતિવાનના ચાલકે સામેથી આવી રહેલી બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક અને પાછળ બેસેલી મહિલા હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. જેમાં બંનેને ગંભીર ઈજા થતાં બાઈક ચાલક સુરેશભાઈ રાયજીભાઈ પરમાર(રહે.લાડવેલ, કઠલાલા)નુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે પાછળ બેસેલી મહિલાને ધુંટણમાં ઈજાઓ પહોંચી હતી. જયારે વાન ચાલકે સ્વિફટ કાર સાથે પણ અથડાઈ હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ બંને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પી.એમ.અર્થે મોકલી મારૂતિ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.