વિરપુરના નુરપુર કેનાલ પાસે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનુ મોત

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના નુરપુર કેનાલ પાસે બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારનુ મોત નીપજયું હતુ. વિરપુરથી બાલાસિનોર હાઈવે પરના નુરપુર કેનાલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનો હાથ શરીરથી છુટો પડી રસ્તા પર ફંગોળાઈ પડ્યો હતો. જેમાં બાઈક સવારનુ સારવાર માટે લઈ જવાતા રસ્તામાં મોત નીપજયું હતુ.

વિરપુરથી બાલાસિનોર તરફ દુધ ટેન્કર પુરપાટ બાલાસિનોર તરફ જઈ રહ્યુ હતુ. તે સમયે નુરપુર કેનાલ પાસેથી આવતો બાઈક સવારને ધડાકાભેર અથડાતા બાઈક સવાર ટેન્કરના પાછળના ભાગે આવી જતાં બાઈક સવારનો હાથ છુટો પડી ગયો હતો. બાઈક સવાર સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. બાઈક સવાર રાહુલકુમાર લાલાભાઈ ભોઈ(ઉ.વ.28, રહે.લીમડીયા, ખાનપુર)નો હોવાનુ બહાર જાણવા મળ્યુ છે. આ અકસ્માતની જાણ આસપાસના લોકોને થતાં ગામલોકોના ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ વિરપુર પોલીસ અને એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. બાઈક સવારને પ્રાથમિક સારવાર આપી લુણાવાડા ખસેડવામાં આવ્યો હતો. બાઈક સવારના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવતા વધુ સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યો હતો. જયાં હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.