વિરપુરના નાસરોલી ગામે જમવાનુ બનાવવા બાબતે પુત્રએ માતાને લાકડાનો ફટકો મારી હત્યા કરી

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના નાસરોલી ગામના નાડા વિસ્તારમાં સગા પુત્રએ માતાને જમવાનુ બનાવવાના મુદ્દે લાકડીનો ફટકો માથામાં મારી દેતા માતાનુ તત્કાળ મોત નીપજયું હતુ. માતાની હત્યા બાદ હત્યારો પુત્ર ફરાર થઈ જતાં પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

નાસરોલી ગામના નાડા વિસ્તારના નિશાળ ફળિયામાં રહેતા મધીબેન રમેશભાઈ માલીવાડ ખેતરનુ કામકાજ પતાવીને ધરે આવ્યા હતા. તે સમયે તેમનો પુત્ર પર્વત પણ ધરે આવ્યો હતો. જેણે મધીબેનને તાત્કાલિક જમવાનુ બનાવવાનુ કહ્યુ હતુ. જેથી માતા મધીબેને જમવાનુ તૈયાર નથી થોડી વાર લાગશે તેમ કહેતા પર્વત ઉશ્કેરાઈ ગયો હતો. અને નજીકમાં પડેલ લાકડી ઉપાડી સીધો જ માતા પર હુમલો કરી માર માર્યો હતો.

અને જમવાનુ નહિ બનાવી આપે તો તારા ટાંગા તોડી નાંખીશ તેવી ધમકી આપી માથામાં લાકડીના ફટકા મારી દેતા લોહીલુહાણ થઈ ફસડાઈ પડ્યા હતા. આ દરમિયાન ધરમાં હાજર ભત્રીજો ભરતભાઈ માલીવાડ વચ્ચે પડતા પર્વતે તેને પણ માર મારી ધમકી આપી હતી. દરમિયાન મધીબેનનુ તત્કાળ સ્થળ પર જ મોત નીપજયું હોવાનુ જણાતા પર્વત ભાગી ગયો હતો. આ અંગે વિરપુર પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રમેશભાઈ માલીવાડની ફરિયાદના આધારે પર્વન સામે ગુનો નોંધી તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.