વિરપુર,વિરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયત તાબાના માંડલિયા-બળિયાદેવનો એપ્રોચ નવીન રોડ ખુબ બિસ્માર હાલત હોવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે.
માંડલીયાના આ ઉબડ ખાબડ અને મોટા ખાડાવાળા અને રોડામાંથી નીકળેલી કપચી ઉપર આવી જવાથી આ રોડ ઉપરથી સાયકલ લઈ નિશાળે જતા બાળકો, પોતાની રોજી-રોજી માટે બાઈક લઈ નીકળતા લોકો અને ચાલતા ભરવા જતા પશુપાલકોની હાલત કફોડી બની છે. અનેક નાના-મોટા અકસ્માતોને લઈ લોકોને ઈજાઓ પહોંચવાના દુધ ભરવા નીકળેલા લોકોનુ દુધ ઢોળાઈ જવાના અને લોકો પડવાના અનેક બનાવો બન્યા તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. વિરપુર તાલુકાના માંડલીયાના લોકોને 2008ના વર્ષ દરમિયાન પાકો રોડ બનાવવામાં આવેલ ત્યારબાદ સમય વિતતા રોડ બિસ્માર હાલતમાં આવતા સ્થાનિક લોકોની માંગણીને ઘ્યાનમાં લઈ 2019માં આ રોડ નવો બનાવવા માટેની મંજુરી અને જોબવર્ક માટેની પ્રોસેસ થઈ હતી. અને આ રોડ માટે ટેન્ડર અને અન્ય પ્રક્રિયા થતાં આ રસ્તા માટે એક કંપનીનુ ટેન્ડર પાસ થતાં જે તે કંપની દ્વારા રોડનુ કામ શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી. જેમાં જેસીબી અને અન્ય મશીનરી લઈ રોડ કામદાર મજુર સહિત કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલુ કરવામાં આવેલ જયારે સમય વિતતા આગળ કામ ન થતાં સ્થાનિક લોકો અચંબામાં પડી ગયા હતા. અને તપાસ કરાવતા ખબર પડી કે, આ કોન્ટ્રાકટર બ્લેક લિસ્ટમાં મુકતા કામ ખોરંભે ચઢ્યુ છે. તંત્ર અને કોન્ટ્રાકટર વચ્ચે આ વિસ્તારની પ્રજા પીસાઈ રહી છે. અને ચાર વર્ષ જેટલા લાંબા સમયથી પાકા રસ્તા માટે મુશ્કેલીનો સામનો કરી રહી છે.