મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના લીમરવાડાના વિસ્તારોમાં જાણે વર્ષોથી વીજ વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવતુ ન હોય આ ગામોમાં જોખમી વીજ વાયરો લટકતા જોવા મળી રહ્યા છે. આ ગામોમાં મોટાભાગના વીજ વાયરો ઝાડીઓથી કાંતો ઝાડની અંદર ધેરાયેલા જોવા મળે છે. અમુક ગામોમાં તો થોડો પવન સાથે વરસાદ આવે કે વીજળી ગાયબ થઈ જાય છે.
વિરપુર મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી છે. લીમરવાડા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વીજ લાઈન પર ઠેર ઠેર જંગલી વેલા જોવા મળે છે. તેમજ ઝાડ પરથી વીજ લાઈન પસાર થાય છે ત્યારે જોખમી વીજ વાયરોથી દુર્ધટના સર્જાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. એક સપ્તાહ અગાઉ પણ લીમરવાડા ગામે ઝુલતા વીજ વાયરોના કારણે એક મહિલાનુ મકાન સળગી ગયુ હતુ. ચોમાસા દરમિયાન ખેડુતો અને પશુપાલકો ઢોર ચરાવતા હોય ત્યારે જાનવરો ચરતા ચરતા આ વીજપોલ કે ઝાડ નીચેથી પસાર થાય તો પણ અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. વીજ વિભાગ દ્વારા થોડા સમય અગાઉ પહેલા લીમરવાડા વિસ્તારોમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની હોવાથી વીજ સપ્લાય કલાકો સુધી બંધ રખાયો હતો. તેમ છતાં લીમરવાડા રહેણાંક વિસ્તારોમાં ઠેર ઠેર લટકતા વીજ વાયરો જોવા મળે છે.