વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ચોરી સહિતના બનાવો વધી રહ્યા છે. ગુનેગારોને મોકળુ મેદાન મળતા ગુનાનો વધી રહ્યા હોવાની ફરિયાદો સ્થાનિકોમાં ઉઠવા પામી છે.
વિરપુરના અનેક વિસ્તાર તેમજ દુકાનો બહાર અને જાહેર સ્થળો પર સીસીટીવીનો અભાવ જોવા મળી રહ્યો છે. વિરપુર અંદાજે એકાદ લાખથી વધુ વસ્તી ધરાવતુ છે. આ ઉપરાંત 62 ગામડાઓનો સમુહ ધરાવતુ તાલુકા મથક પણ છે. પરંતુ વિરપુરમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાને અભાવે નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિરપુરના મુકેશ્ર્વર ચોકડી, બસ સ્ટેન્ડ, અંબિકા સોસાયટી, સી.એમ.દેસાઈ હાઈસ્કુલ, વિરાજી સર્કલ, લીંબડા ભાગોડ, દરજીની વાડી સહિતના વિસ્તારોમાં લોકો સહિત વાહનચાલકોની ભારે અવર જવર હોય છે. ધણીવાર એવા વાહનચાલકો નાના વાહનોને ટલ્લો મારીને નાસી છુટતા હોય છે. આ ઉપરાંત બજારમાં ખરીદી કરવા ગયેલ કોઈ મહિલા કે બુઝુર્ગ પાસેથી કોઈ ચીલઝડપ કરીને નાસી જાય તો આવા ગુનામાં પોલીસને ગુનો ઉકેલવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત દિવસે-દિવસે વસ્તીના અનુપાતમાં ગુનાઓનુ પ્રમાણ પણ વધી રહ્યુ છે. આથી ગુનાઓ ડિટેઈન કરવામાં પોલીસને ધણીવાર ખાસો સમય લાગી જતો હોય છે. વિરપુર શહેરમાં આવનાર દિવસોમમાં વહેલામાં વહેલી તકે સીસીટીવી કેમેરા મુકવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.આ અંગે ટીડીઓએ જણાવ્યુ હતુ કે,અમુક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મુકવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. 3 થી 4 જગ્યાઓ પર કેમેરા લાગશે. આવનાર 3 થી 4 માસ સુધીમાં વિરપુરના મુખ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવશે.