વિરપુર તાલુકો બે લાખથી વધુ વસ્તી ધરાવતો તાલુકો છે. લોકો માટે સરકાર દ્વારા તાલુકા મથકે સીએચસીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી કરી મહત્તમ મઘ્યમ તેમજ ગરીબ લોકો માટે મફત સારવાર મળી રહે પરંતુ વિરપુર સીએચસીમાં કાયમી ડોકટરની જગ્યાએ ડેપ્યુટેશન ડોકટરથી દવાખાનુ ચલાવાઈ રહ્યુ છે.
વિરપુર સીએચસી ખાતે રોજીંદી બસોથી ત્રણસો જેટલી ઓપીડી હોવા છતાં કાયમી ડોકટર ન હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે. કાયમી ડોકટરની નિમણુંંક ન કરાતા સાત દિવસના સાત અલગ અલગ ડેપ્યુટેશન ડોકટર મુકવામાં આવે છે. જેઓ દુર દુરથી આવી રહ્યા છે. ત્યારે અમુક સમયે મુકવામાં આવેલા ડોકટરો પણ કોઈને કોઈ કારણોસર વહેલા-મોડા આવતા હોય છે. ત્યારે હાલમાં ચાલી રહેલા ચોમાસાને પગલે દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
દવાખાનામાં અમુક સમયે ઈમરજન્સી કેસ પણ આવતા હોય છે. જયારે ડોકટર ન હોવાથી ગરીબ તથા મઘ્યમ વર્ગના લોકોને પ્રાઈવેટ દવાખાને અથવા બહાર રિફર કરવા પડી રહ્યા છે. ડોકટર આવવાની રાહ જોઈને દર્દીઓ દવાખાનામાં તો કેટલાક દર્દીઓ દવાખાનામાં આમ તેમ સુતા અને કણસતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકારના પ્રજાની સુખાકારી માટે આરોગ્યની સેવા નિષ્ફળ થતી જોવા મળી રહી છે.
ડોકટર વગર દર્દીઓથી ઉભરાયેલા દવાખાનામાં લોકોને આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી કાયમી ડોકટર ન હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેપ્યુટેશન પર ડોકટર મોકલવામાં આવી રહ્યા છે પરંતુ દવાખાને કાયમી ડોકટર ન હોવાથી દર્દીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાયમી ડોકટરોની નિમણુંક કરવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામી છે.