વિરપુર બસ સ્ટેન્ડ પાછળ ગંદકીને લઈ મુસાફરો પરેશાન

વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર બસ સ્ટેશનના પાછળના ભાગે અસહ્ય ગંદકી જોવા મળી હતી જેથી તંત્ર દ્વારા સાફસફાઈ માટે કોઈ કામગીરી કરવામાં નથી આવતી તેમ જોવાઈ રહ્યુ છે.

છેલ્લા કેટલાય સમયથી વિરપુર બસ સ્ટેશનમાં પાછળના ભાગે ગંદકીના કારણે મુસાફરોને બસ સ્ટેશનમાં બેસવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેશનમાં બેસવા જેવુ જ રહ્યુ નથી કારણ કે ગંદકીના કારણે બસ સ્ટેશનમાં ખરાબ દુર્ગંધ આવી રહી છે. જેના કારણે મુસાફરોને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે જેના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. વિરપુર બસ સ્ટેશનમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ટુંક સમય પહેલા જ વિરપુર બસ સ્ટેશનમાં કહેવાતા સ્વચ્છતાં અભિયાન માટેના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. તે જ બસ સ્ટેશનમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. વિરપુર બસ સ્ટેશનના કર્મચારીઓને આ ગંદકી દેખાતી નથી કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે.વિરપુર બસ સ્ટેશનમાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે છતાં તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. વિરપુર નગર અને મુસાફરોની માંગણી છે કે સત્વરે વિરપુર બસ સ્ટેશનમાં થયેલ ગંદકીને દુર કરાય જેથી કરીને મુસાફરો બસની રાહ જોઈ બસ સ્ટેશનમાં બેસી શકે.