વિરપુર બસ સ્ટેન્ડ સામે આડેધડ પાર્કિંગ અને વેપારીઓ દ્વારા ફુટપાથ પર દબાણો કરતા રાહદારીઓને હાલાકી

વિરપુર, વિરપુર બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો બેફામ બન્યા છે. વિરપુર બસ સ્ટેન્ડથી જનતા સિનેમા સુધીના માર્ગ પર દુકાનોની બહાર લોકો ગામે તેમ વાહનો પાર્ક કરી રહ્યા છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.

વિરપુરની અંબિકા સોસાયટીથી વિરાજી સર્કલ સુધી રોડ વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને રાહદારીઓ માટે ફુટપાથ બનાવ્યો છે. જે ફુટપાથ પર વેપારીઓ દ્વારા ફુટપાથ ઉપર વેચાણ માટેનો સામાન મુકીને દબાણ કરી રહ્યા છે. આ ઉપરાંત દુકાનોની સામે પણ આડેધડ બાઈકો પાર્કિંગ કરવામાં આવતી હોય છે. જેને લઈ ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરતી જાય છે. આ ઉપરાંત વિરપુર બસ સ્ટેન્ડનુ નવીનીકરણ કામ પ્રગતિમાં છે. જેના લીધે વિરપુર બસ સ્ટેન્ડમાં અવર જવર કરવા માટે એક જ માર્ગ ચાલુ છે. બસ સ્ટેન્ડમાંથી બસો બહાર નીકળતી હોય છે તે દરમિયાન આડેધડ પાર્કિંગ કરેલ બાઈકો બસને વળાંક વાળવા દરમિયાન ભારે અડચણરૂપ બનતી હોય છે. તે દરમિયાન ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. આ ઉપરાંત વાહનચાલકો તેમજ બસ ડ્રાઈવર સામે ઉગ્ર બોલાચાલીઓ પણ થતી હોય છે. આ માર્ગ પર અનેકવાર અકસ્માતો પણ સર્જાઈ ચુકયા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ટ્રાફિક સમસ્યાને હલ કરવા અગાઉ પણ રોડ વિભાગ દ્વારા ફુટપાથ અને દબાણ ખાલી કર્યા હતા. આ બાદમાં અધિકારીઓ અને નેતાઓના છુપા આશિર્વાદથી ફુટપાથ પર ફરી દબાણો ધમધમી ઉઠ્યા છે. લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે.