વિરાટે બીમાર હોવા છતાં આટલી મોટી ઈનિંગ રમી. : અનુષ્કા શર્મા

મુંબઇ,

વિરાટ કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની ૭૫મી સદી ફટકારી. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથા ટેસ્ટની પહેલી ઈનિંગમાં ૧૮૬ રન બનાવ્યા. તેઓ બીજી સદી ચૂકી ગયા પરંતુ આ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને સદી સમર્પણ કરી. બીજી તરફ અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક મોટો ખુલાસો કર્યો છે.

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોહલીનો વીડિયો શેર કરતા જણાવ્યુ કે વિરાટે બીમાર હોવા છતાં આટલી મોટી ઈનિંગ રમી. તેઓ કમજોરી અનુભવી રહ્યા હતા. અનુષ્કાએ લખ્યુ, આટલા સંયમ સાથે બીમારીમાં બેટિંગ કરી છે. તમે મને હંમેશા પ્રેરિત કરી છે. વિરાટ કોહલીએ ૧૨૦૫ દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી. આ તેમની ૨૮મી ટેસ્ટ સદી છે. વિરાટ કોહલીએ ગઈ વખતે ૨૩ નવેમ્બર ૨૦૧૯એ બાંગ્લાદેશ સામે કલકત્તામાં સદી ફટકારી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં આ વિરાટ કોહલીની બીજી સૌથી ધીમી સદી પણ છે. આ સદી માટે તેમણે ૨૪૧ બોલનો સામનો કર્યો. કોહલીની સૌથી ધીમી સદી ૨૦૧૨માં નાગપુરના મેદાન પર ઈંગ્લેન્ડ સામે આવી હતી. તે મેચમાં તેમણે પોતાની સદી માટે ૨૮૯ બોલનો સામનો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉસ્માન ખ્વાજાના ૧૮૦ અને કેમરૂન ગ્રીનના ૧૧૪ રનના કારણે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૪૮૦ રન બનાવ્યા. ભારત માટે રવિચંદ્રન અશ્ર્વિને સૌથી વધુ છ વિકેટ લીધી. આના જવાબમાં ભારતે શુભમન ગિલના ૧૨૮, વિરાટ કોહલીના ૧૮૬ અને અક્ષર પટેલના ૭૯ રનના કારણે ભારતે ૫૭૧ રનનો સ્કોર ઊભો કર્યો. નાથન લિયોન અને ટોડ મર્ફીએ ૩-૩ વિકેટ લીધી. પહેલી ઈનિંગના આધારે ભારતને ૯૧ રનનો વધારો મળ્યો.