વિરાટ નારાયણ વનનું વૃક્ષારોપણ : હાલોલના તાજપુરા નારાયણ ધામમાં 13 હજાર 551 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને સરકારના વન વિભાગના સંયુક્ત એમઓયુ દ્વારા પીએમ મોદીના પર્યાવરણ જાગૃતિ અભિયાનના વિઝન ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત નારાયણ આરોગ્ય ધામને અડીને આવેલી સરકારી જમીનમાં પાંચ લાખ વૃક્ષો રોપી ‘વિરાટ નારાયણવન’ ઉભું કરવામાં આવનાર છે. જે પૈકી આજે કેબિનેટ વનમંત્રી અને રાજ્ય વન મંત્રીની હાજરીમાં 13 હજાર 551 વૃક્ષો રોપવામાં આવ્યા. આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો અને જિલ્લા વહીવટી તંત્રની સાથે મોટી સંખ્યામાં નારાયણ ભક્તો આ વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા.

આજે હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને સરકારના વન વિભાગ દ્વારા MOU કરી PPP ભાગીદારીથી અત્રે 9 હેક્ટર સરકારી જમીનમાં પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે પહેલા ચરણમાં 13,500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો કાર્યક્રમ કેબિનેટ વનમંત્રી મુળુભાઇ બેરા, રાજ્યવન મંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, ગોધરા સાંસદ રાજપાલસિંહ જાદવ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ટીંબડિયા, રાજ્યસભાના પૂર્વ ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂ.નારાયણ બાપુને યાદ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને કેબિનેટ વનમંત્રી મુળુભાઇ બેરાએ કહ્યું કે ‘એક પેડ મા કે નામ’ પીએમ મોદીની પર્યાવરણ દિવસની જે અપીલ હતી તેના ભાગરૂપે આજે ભાદરવી પૂનમે નારાયણ ધામની પવિત્ર ભૂમિમાં 5 લાખ વૃક્ષો રોપવામાં આવનાર છે. જે માટે આજે ‘એક પેડ નારાયણ બાપુ કે નામ’ અંતર્ગત 13,500 વૃક્ષો રોપીને વિરાટ નારાયણ વન ઉભું કરવાની શરૂઆત થઈ છે.

આરોગ્યની સેવા કરતા આ ટ્રસ્ટે તમામ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી સ્વીકારી છે, આજે 13,500 વૃક્ષોનું વાવેતર કરવાના ભગીરથ કાર્યમાં મોટી સંખ્યામાં યુવાનો, વૃદ્ધો અને બાળકો આ મહા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળે છે. સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સારા વાતાવરણમાં આ કાર્ય સંપન્ન થયું છે. ટ્રસ્ટીઓએ આ કાર્ય કરવાની તૈયારીઓ બતાવતા અમારા વન વિભાગે એમઓયુ કરી પીપીપીના ધોરણે વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું, તે બદલ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અભિનંદન આપતા સમયની જરૂરિયાત મુજબ કાર્ય થયું છે. અન્ય કોઈ ટ્રસ્ટ પણ જો આવા કાર્ય માટે આગળ આવે તો વન વિભાગ પણ આવા કાર્ય માટે હંમેશા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ગોધરા વનવિભાગના સીએફ અંશુમન શર્મા, ડીસીએફ અને ડીએફઓ એમ.એલ. મીના, સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસરો, રાઉન્ડ ફોરેસ્ટર, બીડગાર્ડ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા એસપી હિમાંશુ સોલંકી, હાલોલ ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ, પીઆઇ આર.એ.જાડેજા સહિત પોલીસ સ્ટાફ પણ ખડેપગે રહેતા કાર્યક્રમ સંપન્ન થયો હતો.