વિરાટ કોહલી બીજીવાર પપ્પા બનશે : ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર ઢંઢેરો પીટી દીધો.

વિરાટ કોહલી ફરી પિતા બનવા જઈ રહ્યો છે. આ જાણકારી કોહલીના ખાસ મિત્ર અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સે આપી છે. 39 વર્ષીય ભૂતપૂર્વ બેટર ડી વિલિયર્સ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટના બીજા દિવસ પછી તેની યુટ્યૂબ ચેનલ પર લાઈવ આવ્યો હતો.

ડી વિલિયર્સે ફેન્સના સવાલ પર કહ્યું- ‘મેં કોહલીને ફોન કર્યો અને તેની તબિયત વિશે પૂછ્યું. આના પર વિરાટે મને કહ્યું કે તે તેના પરિવાર સાથે છે. આગળ બોલતા ડી વિલિયર્સે કહ્યું કે ‘વિરાટનું બીજું બાળક આવવાનું છે. આ કારણોસર તે પરિવાર સાથે છે.’

જો કે આ પછી તેણે પોતાની યુટ્યૂબ ચેનલ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને તેની ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે.

અગાઉ, વિરાટ કોહલી 11 જાન્યુઆરી, 2021ના રોજ પ્રથમ વખત પિતા બન્યો હતો અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત આવ્યો હતો. કોહલીએ દીકરીનું નામ ‘વામિકા’ રાખ્યું છે.

વિરાટ કોહલી 25 જાન્યુઆરીથી રમાઈ રહેલી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તેણે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું છે.આના પર BCCIએ એક નિવેદન જારી કરીને કહ્યું કે કોહલીએ કેપ્ટન રોહિત શર્મા, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી અને પારિવારિક કારણોસર રજા લીધી છે. બોર્ડે તેમની ગોપનીયતાનું સન્માન કરવાની પણ અપીલ કરી હતી.

કોહલીએ પ્રથમ બે ટેસ્ટમાંથી બ્રેક લીધા બાદ મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી હતી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેની માતા બીમાર છે. પરંતુ આ પછી વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ આ વાતોને ફગાવી દીધી હતી. તો કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કોહલી પિતા બનશે.