વિરાટ કોહલી વર્લ્ડકપમાં ફટકારશે ૫૦મી સદી, તોડશે સચિનનો રેકોર્ડ, પૂર્વ કેપ્ટનની ભવિષ્યવાણી

વિરાટ કોહલીતે વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી કિંગ કોહલીએ પાંચ મેચમાં 118ની એવરેજથી 354 રન બનાવ્યા છે અને તે ભારતનો ટોપ સ્કોરર પણ છે.વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે તેની 48મી ODI સદી ફટકારી હતી ત્યારથી, ચાહકો તેની 50મી ODI સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

એ વાત તો નોંધનીય છે કે ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સામે 95 રનમાં આઉટ થયો હતો અને અ મેચમાં વિરાટ તેની 49મી સદીની ખૂબ નજીક આવ્યો હતો પરંતુ પૂરી કરી શક્યો ન હતો. આ બધા વચ્ચે સુનીલ ગાવસ્કરે હવે ભવિષ્યવાણી કરી છે કે વિરાટ કોહલી કઈ તારીખ અને સ્થાને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને તેની 50મી ODI સદી ફટકારશે.

ગાવસ્કરના જણાવ્યા મુજબ વિરાટ કોહલી 29 ઓક્ટોબરે લખનૌ અને 2 નવેમ્બરે મુંબઈમાં રમાનારી ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની ભારતની આગામી બે મેચોમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લેશે. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, ‘ચેઝ માસ્ટર વિરાટ કોહલી 5 નવેમ્બર 2023ના રોજ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી નાખશે અને તેની 50મી સદી ફટકારશે.’ નોંધનીય છે કે કોહલીનો જન્મદિવસ પણ 5 નવેમ્બરે છે. આ દિવસે ભારતીય ટીમ આફ્રિકા સામે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમશે.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે – “કોહલી ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામે તેની 50મી ODI સદી ફટકારશે અને તેના જન્મદિવસથી વધુ સારો અવસર કયો છે? કોલકાતા પહોંચતા પહેલા તેની 49મી સદી ફટકારવા માટે તેની પાસે બે મેચ છે. ઈડન ગાર્ડન્સ રન-સ્કોરિંગ માટે શ્રેષ્ઠ સ્થાનો પૈકીનું એક છે, જ્યારે તમે ત્યાં સદી ફટકારો છો તો કોલકાતાના ચાહકો તમને સ્ટેન્ડિંગ ઓવેશન અને ઉત્સાહ આપે છે, સાથે આખું સ્ટેડીયમ સીટીઓ અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે.’

વિરાટ કોહલી અને રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે સતત રન બનાવી રહ્યા છે અને ટીમ ઇન્ડિયા અ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. હાલ ભારતીય ટીમ પાંચ મેચમાં પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ઈંગ્લેન્ડ સામેની જીત ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી દેશે. જોકે, હાર્દિક પંડ્યા આ મેચમાં વાપસી કરી શકશે નહીં.