મુંબઇ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ રમાશે. પ્રથમ મેચ ક્રિસમસ પછી બીજા દિવસે એટલે કે ૨૬મી ડિસેમ્બરે રમાશે, જેને બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ટીમ ઈન્ડિયા પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એવા સમાચાર છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાઉથ આફ્રિકાથી સ્વદેશ એટલે કે ભારત પરત ફર્યા છે.પરંતુ સારી વાત એ છે કે તે ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ફરી સાઉથ આફ્રિકા પહોંચી શકે છે.
વિરાટ કોહલી થોડા દિવસો પહેલા જ સાઉથ આફ્રિકા પહોંચ્યો હતો, ત્યારે હવે એવો રિપોર્ટ છે કે, પરિવારની ઈમરજન્સીના કારણે તે ભારત પરત ફર્યો છે. ટેસ્ટ સીરિઝ શરુ થયા પહેલા આ સારા સમાચાર નથી, કારણ કે, તે દિગ્ગજ બેટ્સમેન છે આ સિવાય ઓપનર ૠતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.
વિરાટ કોહલી પારિવારિક કારણોસર ભારત પરત ફર્યો છે. આ ઈમરજન્સીનું કારણ સ્પષ્ટ નથી પરંતુ બીસીસીઆઈના સુત્રોનું કહેવું છે કે, તે ૨૬ ડિસેમ્બરથી સેચુરિયનમાં શરુ થનારી પહેલી ટેસ્ટ માટે જોહન્સસબર્ગ પરત ફરશે. કોહલી ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈ પાસે ૩ દિવસની પ્રેક્ટિસ મેચ છોડવાની અનુમતી લીધા બાદ મુંબઈ માટે રવાના થયો હતો.
તમને જણાવી દઈએ કે ભારતીય ખેલાડીઓ હાલમાં પ્રિટોરિયામાં પ્રેક્ટિસ સેશનનો ભાગ છે. કોહલીની ટૂંક સમયમાં વાપસી થવાની આશા છે.