વિરાટ કોહલીએ આ વર્ષે વનડેમાં ૧૦૦૦ રન પૂરા કર્યા, સચિનનો રેકોર્ડ તોડ્યો

મુંબઇ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલશાન મધુશંકાના બીજા જ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ સંભાળી છે. વિરાટે શાનદાર બેટિંગ કરતા ૫૦ બોલમાં તેની ૭૦મી ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ વિરાટે કેટલાંક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિરાટ કોહલી એશિયામાં વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૮૦૦૦ રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ કોહલીએ સચિન તેંડુલકરનો પણ એક રેકોર્ડ તોડ્યો છે. કોહલી એક કેલેન્ડર યરમાં સૌથી વધુ વખત ૧૦૦૦ કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લીસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે. આ મામલે વિરાટે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. કોહલીએ ૮મી વખત એક કેલેન્ડર યરમાં ૧૦૦૦ રન બનાવ્યા છે, જયારે સચિને ૭ વખત આવું કર્યું છે.

સચિન તેંડુલકરે વનડે ક્રિકેટમાં ૪૬૩ મેચની ૪૫૨ ઇનિંગ્સમાં ૪૯ સદી ફટકારી છે. જયારે વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ૨૮૭ મેચની ૨૭૫ ઇનિંગ્સમાં ૪૮ સદી ફટકારી છે.જોકે વિરાટ આજે આ રેકોર્ડની બરાબરી કરી શકયો ન હતો અને વિરાટ ૮૮ રને આઉટ થયો હતો.