મહેસાણા, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને છ માસના સમયગાળા માટે પાસપોર્ટ આપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. પોતાના પરિવારને મળવા વિદેશ જવાનું હોવાથી વિપુલ ચૌધરીએ કરેલી અરજીને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખતા હવેથી તેઓ વિદેશ જઈ શકશે. સાગરદાણ અને કર્મચારી બોનસ કૌભાંડ મામલે બે વર્ષ અગાઉ વિપુલ ચૌધરી નો પાસપોર્ટ કોટે જમા લીધો હતો. બે વર્ષ અગાઉ વિપુલ ચૌધરીએ પાસપોર્ટ મેળવવા કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.
દૂધસાગર ડેરીના સાગરદાણ અને કર્મચારી બોનસ કૌભાંડ મામલે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ પાસપોર્ટ જમા લેવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૨૧ માં વિપુલ ચૌધરીએ અમેરિકા સ્થિત પોતાના પુત્રની કોલેજમાં કાર્યક્રમમાં જવા માટે પાસપોર્ટ આપવા મંજૂરી માંગી હતી. જો કે જે તે સમયે અમદાવાદની સીટી સિવિલ કોર્ટે વિપુલ ચૌધરીની અરજીને ફગાવી દઈને પાસપોર્ટ આપવા ઉપર મનાઈ ફરમાવી હતી.
તાજેતરમાં વિપુલ ચૌધરીએ પોતાનો પરિવાર અમેરિકામાં તેમજ ઓસ્ટ્રેલિયામાં હોવાથી મળવા જવા માટે પાસપોર્ટ આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેના પગલે ગુજરાત હાઇકોર્ટે વિપુલ ચૌધરીને છ માસના સમયગાળા માટે પાસપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. જેથી વિપુલ ચૌધરી હવેથી પોતાના પરિવારને મળવા માટે વિદેશ જઈ શકશે.